<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

મહેસાણા કોર્ટનો નશાના સોદાગરો વિરુદ્ધ મહત્વનો ચુકાદો: ચરસની હેરાફેરીના કેસમાં ૩ શખ્સોને ૧૦ વર્ષની સખત કેદ, નશાનું વેચાણ કરનારા તત્વોમાં ફફડાટ!

રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસમાં ૯ કિલોથી વધુ ચરસ સાથે ઝડપાયા હતા અમદાવાદના આરોપીઓ; દોઢ લાખનો દંડ અને સખત સજા ફટકારી કોર્ટે દાખલો બેસાડ્યો

મહેસાણા :  મહેસાણાની સ્પેશિયલ NDPS કોર્ટે ડ્રગ્સની હેરાફેરીના પાંચ વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને સમાજમાં કડક સંદેશો વહેતો કર્યો છે. વર્ષ ૨૦૨૧માં ૯.૩૩૦ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયેલા અમદાવાદના ત્રણ શખ્સોને અદાલતે તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ એમ. એફ. ખત્રીએ ત્રણેય આરોપીઓને જેલની સજાની સાથે પ્રત્યેકને ૧.૫૦ લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે.
પોલીસની ગુપ્ત બાતમી અને ઓપરેશન
આ કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૨૧માં પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસમાં કેફી પદાર્થની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે તપાસ હાથ ધરતા અમદાવાદના રહેવાસી સાહીદ ઇબ્રાહિમ, રફીક ચૌહાણ અને સૈયદહુસેન મણીયાર પાસેથી ૯.૩૩૦ કિલોગ્રામ ચરસ મળી આવ્યું હતું. આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ મળી આવતા પોલીસે તાત્કાલિક ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાયદાકીય પ્રક્રિયા અને આકરો ચુકાદો
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીઓ અત્યંત મહત્વની સાબિત થઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે નશાના કારોબારને રોકવા માટે આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. અદાલતે ત્રણેય આરોપીઓને ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે અને જો તેઓ દંડની રકમ નહીં ભરે તો વધુ કેદની સજા ભોગવવાની જોગવાઈ પણ કરી છે. આ ચુકાદાથી નશાના સોદાગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

(9:21 PM IST)