<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

મહેસાણા: ખેરાલુ-સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન અજાણ્યા વાહને અડફેટે લેતા 10 વર્ષીય બાળકીનું મોત

રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને તેને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ ફરાર થઈ ગયો:બાળકીનું મોત અને વાહન ચાલકની આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે રોષ જગાવ્યો .

મહેસાણાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર મહેકુબપુરા અને અરઠી વચ્ચે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલી 10 વર્ષીય બાળકીને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેકુબપુરાથી અરઠી ગામ વચ્ચેથી પસાર થતા હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. સાંજના સમયે 10 વર્ષીય બાળકી રસ્તો ઓળંગીને બીજી તરફ જઈ રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે બાળકીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકી હવામાં ફંગોળાઈને દૂર જઈ પડી હતી અને તેને ગંભીર ઈજાઓ થતા તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ માનવતાને નેવે મૂકીને અજાણ્યો વાહન ચાલક પોતાની ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. આસપાસના ગ્રામજનોએ ઘટનાની જાણ ખેરાલુ પોલીસ મથકે કરી હતી.

ખેરાલુ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય વાહનોના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે, જેથી ફરાર વાહન ચાલકને વહેલી તકે પકડી શકાય. આ અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં વાહન ચાલકોની બેફામ ગતિ અને હાઈવે પરની સલામતી અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:46 PM IST)