તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
સુરતમાં મેઘતાંડવ: કીમ નદી ગાંડીતૂર બનીને બે કાંઠે વહી, 15થી વધુ ગામો હાઈ-એલર્ટ પર, NDRFની ટુકડી તૈનાત
ભારે વરસાદને પગલે નદીનું જળસ્તર વોર્નિંગ લેવલને પાર, લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સંપર્ક તૂટ્યો: વહીવટી તંત્રની દોડધામ

સુરત : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સુરતની જીવાદોરી સમાન કીમ નદીમાં પાણીની ભારે આવક થતા તે ગાંડીતૂર બની છે, જેને પગલે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીના પાણીના વેગ અને સ્તરને કારણે નદી પર આવેલો લો-લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. કીમ નદી હાલ વોર્નિંગ લેવલ પર વહી રહી છે, જે નજીકના રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
15થી વધુ ગામોને સાવચેતીની સૂચના
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. કીમ નદીના વધતા જળસ્તરને લીધે ઓલપાડ, માંગરોળ અને હાંસોટ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં આવતા 15થી વધુ ગામોને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
NDRFની ટીમ દ્વારા સતત મોનિટરિંગ
કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે તંત્ર દ્વારા ઓલપાડ ખાતે NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. NDRFના જવાનો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વહીવટી અધિકારીઓએ ખાસ કરીને નદી કિનારે રહેતા લોકો અને માછીમારોને જ્યાં સુધી જળસ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી નદી તરફ ન જવાની સખત સૂચના આપી છે. હાલમાં તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી જાન-માલનું નુકસાન અટકાવી શકાય.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
