<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મેઘરાજાની અનરાધાર મહેરથી ગુજરાતના ડેમોમાં નવા નીરની છલકામણ! 14 ડેમ સો ટકા ભરાયા, 21 જળાશયો હાઈ એલર્ટ પર

રાજ્યમાં મોસમનો કુલ 52 ટકા વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમ 68.93 ટકા સુધી ભરાયો; શેત્રુંજી અને મચ્છુ-2 સહિતના મુખ્ય ડેમો સંપૂર્ણ છલકાયા

અમદાવાદ : ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા ચોમાસાના તબક્કાએ રાજ્યના જળાશયોને છલોછલ કરી દીધા છે. મેઘરાજાની વિરામ વગરની મહેરબાનીને કારણે રાજ્યની જીવાદોરી સમાન ડેમોમાં પાણીની સતત આવક થઈ રહી છે. તાજા આંકડા અનુસાર, રાજ્યના કુલ 206 જળાશયોમાં જળસંગ્રહ ક્ષમતાના 44.82 ટકાથી વધુ પાણીનો જથ્થો જમા થઈ ચૂક્યો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યના 14 ડેમો 100 ટકા ભરાઈને છલકાઈ ચૂક્યા છે, જ્યારે 21 ડેમોમાં સપાટી ભયજનક સ્તરે પહોંચતાં તેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
મુખ્ય જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, દેશની શાન સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ નવા નીરની ભરપૂર આવક થતાં તે 68.93 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ સિવાય ભાવનગરનો પ્રખ્યાત શેત્રુંજી, મોરબીનો મચ્છુ-2, સુરેન્દ્રનગરનો ધોળીધજા અને વણાંકબોરી સહિતના 14 ડેમો સંપૂર્ણપણે (100%) ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી તરફ, અમરેલીનો ધાતરવાડી અને ખોડિયાર, ભાવનગરનો રંઘોળા તેમજ બોટાદનો ખાંભડા ડેમ હાઈ એલર્ટની સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે.
પાણીની આવકની સ્થિતિ એટલી ઝડપી છે કે રાજ્યના 25 ડેમ હાલ 70% થી 100% વચ્ચે ભરાઈ ચૂક્યા છે, જ્યારે 27 ડેમ 50% થી 70% ની ક્ષમતાએ પહોંચી ગયા છે. સુરક્ષાના અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 4 ડેમોને એલર્ટ અને 14 ડેમોને વોર્નિંગ લેવલ પર રાખીને હેઠવાસના ગામડોઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે.
ચોમાસાના આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. રાજ્યમાં સિઝનનો કુલ 52 ટકા સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં નવસારીમાં સિઝનનો અધધ 96.66 ટકા અને વલસાડમાં 92.82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય સુરત (81.07%), ડાંગ (71.35%), અમદાવાદ (67.82%) અને અમરેલીમાં (62.29%) વરસાદ નોંધાતાં ખેડૂતો અને નાગરિકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.

(7:22 PM IST)