<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

અમદાવાદમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: સમી સાંજે ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે તૂટી પડ્યો વરસાદ!

ભડકા જેવા ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા: શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પ્રસરી ભારે ઠંડક

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાના લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. હવામાન વિભાગ દ્વારા ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે, શનિવારે દિવસભરના અસહ્ય ભડકા જેવા તડકા અને બફારા બાદ સમી સાંજે અચાનક વાતાવરણમાં ક્રાંતિકારી પલટો આવ્યો હતો. ગગનટોપ વાદળોની ઘેરાબંધી વચ્ચે અચાનક ફૂંકાયેલા ભારે પવન અને ઉડેલી ધૂળની ડમરીઓને કારણે માર્ગો પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

સાંજના સમયે કામકાજ પતાવીને ઘરે પરત ફરી રહેલા નોકરિયાતો અને શહેરીજનો અચાનક શરૂ થયેલા વરસાદી ઝાપટાંમાં ભીંજાઈ ગયા હતા. શહેરના પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારો જેવા કે રાણીપ, વસ્ત્રાપુર, એસ.જી. હાઇવે, થલતેજ, નારોલ, ઈસનપુર, મણિનગર, દાણીલીમડા, ખાડિયા, માણેકચોક અને પાલડી સહિતના મોટાભાગના વિસ્તારોમાં મુસળધાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. લાંબા સમય પછી તૂટી પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી.

 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આ પહેલા ૧૨ ઓગસ્ટની આસપાસ છેલ્લે નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો સરેરાશ ૨૪.૫૪ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં જોધપુર અને મક્તમપુરા વિસ્તારમાં સૌથી વધુ ૨૯ ઈંચ વરસાદ વરસ્યો છે. આજના પવન સાથેના વરસાદે શહેરમાં ચોમાસાનો માહોલ ફરી જીવંત કરી દીધો છે, જોકે ચોમાસાની સિઝનના સરેરાશ ક્વોટાની સરખામણીએ શહેરમાં હજુ પણ લગભગ ૧૦ ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

(11:31 PM IST)