તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ :ડોલવણમાં 6 અને વાલોડમાં 5 ઈંચ વરસાદ : ત્રણ તાલુકામાં શાળાઓ-આંગણવાડીઓ બંધ
ભારે વરસાદને પગલે કલેક્ટરે વ્યારા, ડોલવણ અને વાલોડમાં શાળાઓ-આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં આકાશી આફત વરસવાનું શરૂ થયું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને ડોલવણ તાલુકામાં 157 મીમી (આશરે 6 ઈંચ) અને વાલોડ તાલુકામાં 131 મીમી (આશરે 5.15 ઈંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સિવાય વ્યારા તાલુકામાં પણ મુસળધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ભારે વરસાદ અને માર્ગો પર ભરાયેલા પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વિદ્યાર્થીઓની સુરક્ષા કાજે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. કલેક્ટરના સત્તાવાર આદેશ અનુસાર, જિલ્લાના સૌથી વધુ પ્રભાવિત એવા વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓ બુધવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી નાના બાળકોને કોઈ મુશ્કેલી કે જોખમ ન નડે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
