<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મેઘરાજાની રમઝટ: ગુજરાતમાં ૧૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત ૭૦થી વધુ તાલુકાઓમાં ધોધમાર ઝાંપટા

અસહ્ય બફારા અને ગરમીથી નાગરિકોને મળી રાહત: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો અમદાવાદ-સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર, ખેડૂતોમાં આનંદની લહેર

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે શનિવારે સાંજે અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારા બાદ મોડી સાંજે સાત વાગ્યા પછી શહેરના અનેક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદી ઝાંપટાથી નાગરિકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. શનિવારે સાંજ સુધીમાં રાજ્યના ૭૦થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

 

રાજ્યમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ ૨.૫ ઈંચ, ડાંગના સુબીરમાં ૧.૮૧ ઈંચ અને દાહોદના લીમખેડા તથા નર્મદાના સાગબારામાં ૧.૪૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છોટાઉદેપુર, તાપી, અરવલ્લી, મહીસાગર, વડોદરા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા અમરેલીના જાફરાબાદ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

 

હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, ૧૩ સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ અને દમણ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરત તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. આગામી ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે સારા વરસાદની પૂર્ણ શક્યતા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મોસમનો પૂરતો વરસાદ થયો નથી અને સિંચાઈ તથા પીવાના પાણીની ઘટ વર્તાઈ રહી છે. તેવામાં આગામી ત્રણથી ચાર દિવસમાં થનારી આ વ્યાપક મેઘમહેરથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે અને સામાન્ય નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જાગ્યો છે.

(8:35 PM IST)