<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ગુજરાતમાં મેઘરાજાની પધરામણીના સ્પષ્ટ એંધાણ: ૧૪ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી

ચોમાસું મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતથી તેજ ગતિએ આગળ વધ્યું: આગામી ૨ થી ૩ દિવસમાં છત્તીસગઢ અને તેલંગાણામાં જમાવટ કર્યા બાદ ગુજરાત ભીંજાશે

 

 

રાજકોટ: હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આગામી ૧૪ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ, સુરત અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને કર્ણાટક થઈને આગળ વધી રહ્યું છે. આગામી ૨ થી ૩ દિવસમાં પડોશી રાજ્યોમાં વ્યાપક અસર બાદ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરી શક્યતા છે.

 

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારા બાદ હવે વરસાદી માહોલ જામવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાવાર હવામાન વિભાગની માહિતી અને વેધર મોડલ્સ અનુસાર, રાજ્યમાં ૧૪ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર થવાની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 

 

હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો પર સ્થિર છે. પરંતુ આગામી ૨ થી ૩ દિવસમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં તેજ ગતિએ આગળ વધશે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની સાથે ખેડૂતોમાં પણ વાવણીની આશા બંધાશે.

(9:33 AM IST)