<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: મોરવા હડફમાં વીજળીના કડાકા સાથે ૨ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ, સુકાતા પાકને મળ્યું નવજીવન

રાજ્યના ૬૦ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ૧૫ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

ગોધરા (પંચમહાલ) : ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આજે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૬૦ જેટલા તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. જુલાઈના અંત બાદ વરસાદ ખેંચાતાં ચિંતામાં મુકાયેલા પશુપાલકો અને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને મુરઝાઈ રહેલા પાકને સંજીવની મળી છે.

આજના વરસાદમાં સૌથી વધુ ધમાકેદાર બેટિંગ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં જોવા મળી હતી. અહીં બપોરે ૨ થી ૪ ના બે કલાકના ટૂંકા સમયગાળામાં જ વીજળીના કડાકા-ભડાકા સાથે ૪૬ મિલીમીટર (૧.૮ ઈંચ) ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોરવા હડફ ઉપરાંત પંચમહાલના મુખ્ય મથક ગોધરા, કાલોલ, શહેરા અને જાંબુઘોડા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

મોરવા હડફ સિવાય રાજ્યના અન્ય ચાર તાલુકાઓમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના સુબિરમાં ૪૫ મીમી (૧.૭ ઈંચ), નર્મદાના સાગબારામાં ૩૭ મીમી (૧.૪ ઈંચ), દાહોદના લીમખેડામાં ૨૬ મીમી (૧.૧ ઈંચ) અને ગોવિંદગુરુ લીમડીમાં ૨૫ મીમી વરસાદ ખાબક્યો છે. આ સિવાય દેવગઢ બારિયા, તાપીનું ઉકાઈ, ધાનપુર અને મહીસાગરના સંતરામપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર એરિયા બન્યો છે, તેમજ સૌરાષ્ટ્ર પર અપર એર સિસ્ટમ પણ જળવાયેલી છે. આ સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખરા ટાણે જ વરસેલા આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે.

(7:30 PM IST)