<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદમાં મેઘરાજા તોફાની બેટીંગ:બાકરોલમાં સૌથી વધુ 12.42 ઈંચ વરસાદ ખાબક્યો:રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા

જોધપુર વિસ્તારમાં 9.98 ઈંચ, સરખેજમાં 9.84 ઈંચ અને જોધપુર ટેકરામાં 9.59 ઈંચ વરસાદ :બોડકદેવમાં 9.19 ઈંચ, વાસણામાં 8.62 ઈંચ, બોપલ-સાયન્સ સિટી પંથકમાં 8 ઈંચ તેમજ થલતેજ અને મેમનગરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ચારેય બાજુ પાણી જ પાણી

અમદાવાદ:શહેરમાં મેઘરાજાએ આક્રમક અને ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અવિરત અને મૂશળધાર વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો વચ્ચે રેકોર્ડબ્રેક વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અમદાવાદના બાકરોલ વિસ્તારમાં મેઘરાજાએ સૌથી મોટો કહેર વર્તાવ્યો છે. અહીં એક જ દિવસમાં સૌથી વધુ 12.42 ઈંચ જેટલો જંગી વરસાદ નોંધાયો છે, જેના કારણે આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. આટલી મોટી માત્રામાં પાણી ખાબકવાને કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

બાકરોલ ઉપરાંત શહેરના અન્ય પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પણ મેઘરાજાએ મુક્ત મને હેલી વસાવી છે. જોધપુર વિસ્તારમાં 9.98 ઈંચ, સરખેજમાં 9.84 ઈંચ અને જોધપુર ટેકરામાં 9.59 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોડકદેવમાં 9.19 ઈંચ, વાસણામાં 8.62 ઈંચ, બોપલ-સાયન્સ સિટી પંથકમાં 8 ઈંચ તેમજ થલતેજ અને મેમનગરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ચારેય બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

(10:12 PM IST)