<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ભાદરવામાં મેઘરાજા મુસળધાર મહેરબાન થશે: ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં 'ભુક્કા કાઢી નાખે' તેવા અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

​બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમસ સક્રિય થતાં ચોમાસું ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે: મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની શક્યતા

​ગાંધીનગર: ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદે વિરામ લેતાં ખેડૂતો અને સામાન્ય લોકો ઉકળાટ તથા પાકની ચિંતામાં મુકાયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભાદરવા મહિના માટે વરસાદની મોટી અને રાહતરૂપ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ભાદરવા માસમાં મેઘરાજા ધમાકેદાર પુનઃરાગમન કરશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં 'ભુક્કા કાઢી નાખે' તેવો ભારેથી અતિભારે વરસાદ વરસાવશે.  

​હવામાન પૂર્વાુમાન મુજબ, હાલમાં ભલે વરસાદી વિરામ કે માત્ર હળવા ઝાપટાં અનુભવાઈ રહ્યા હોય, પરંતુ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાનારી એક અત્યંત મજબૂત લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને ગુજરાત પર સક્રિય બનશે. આ સિસ્ટમસના પ્રભાવ હેઠળ ખાસ કરીને ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ચોમાસું ફરી આક્રમક મોડમાં આવશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે.  
​અંબાલાલ પટેલે વધુમાં સંકેત આપ્યા છે કે સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં પણ એક પછી એક નવી સિસ્ટમો બનતી રહેશે, જેના કારણે ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે પણ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, તેમણે ખેડૂતોને સલાહ આપી છે કે હાલ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તડકો અને વરાપ નીકળવી પાકના રોગચાળા નિયંત્રણ માટે અનુકૂળ રહેશે, જે બાદ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થનારો આ નવો રાઉન્ડ સીઝનનો મજબૂત વરસાદ સાબિત થશે.

(12:47 PM IST)