તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, નવસારીમાં પોણા 4 ઇંચ અને સુરતમાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાતથી શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાતથી શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને આ કાચા સોના જેવા વરસાદથી મોટી રાહત મળી છે.
સુરત જિલ્લામાં ગઈ કાલ સાંજથી જ ચોમાસાએ વિધિવત રીતે ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી દીધી છે. સુરત જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર અહેવાલ મુજબ, આજે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ખાસ કરીને વહેલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીના સમયગાળામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ કુલ વરસાદ 85.42 મીમીએ પહોંચ્યો છે.
વરસાદની તાલુકાવાર આંકડાકીય વિગત મુજબ, સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 61 મિ.મી (2.4 ઈંચ) ખાબક્યો છે. આ સિવાય કામરેજ તાલુકામાં 60 મીમી નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં સવારે 8 થી 10 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 44 મીમી વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત પલસાણામાં 45 મીમી, ઓલપાડમાં 35 મીમી, ચોર્યાસીમાં 33 મીમી અને માંગરોળમાં 30 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.
બારડોલીમાં 39 મીમી અને મહુવામાં સવારે 10 થી 12ના સમયગાળામાં એક સાથે 25 મીમી સાથે સાંજના 4 વાગ્યા સુધીમાં કુલમાં 41 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા અને અરેઠમાં 10-10 મીમી અને માંડવીમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. સિઝનના કુલ વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૫૬ મીમી વરસાદ સુરત શહેરમાં અને 152 મીમી વરસાદ કામરેજમાં નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગઈકાલે રાતથી જામેલા વરસાદી માહોલ વચ્ચે મહુવા તાલુકાના બીડજોળ ગામમાં રહેતા અરુણભાઈ મગનભાઈ પટેલ અને પરેશભાઈ મગનભાઈ પટેલનું કાચું મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં ઘરનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જેથી આ બંને પરિવારો મુશ્કેલીમાં મૂકાયા હતા. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાનું પંચનામું હાથ ધરવામાં આવ્યું છે અને સહાયની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 64 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી નવસારી શહેરમાં સૌથી વધુ 94 મિ.મી (3.7 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમરેલીના સાવરકુંડલામાં 79 મિ.મી (3.1 ઈંચ) તેમજ વલસાડના ધરમપુરમાં 70 મિ.મી (2.7 ઈંચ) વરસાદ પડ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 20 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
