News of Thursday, 18th June 2026
લીંબડી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર :અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો
રામરાજપર, નાના ટીબલા, મોટા ટીબલા, નટવરગઢ અને જાંબુ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. જિલ્લાના મહત્વના ગણાતા લીંબડી શહેર તેમજ સમગ્ર લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો, જેનાથી સમગ્ર પંથક ખુશખુશાલ થઈ ગયો છે.
લીંબડી શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધીમી તેમજ મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો હતો. તાલુકાના રામરાજપર, નાના ટીબલા, મોટા ટીબલા, નટવરગઢ અને જાંબુ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સીઝનના આ વરસાદી માહોલને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણી જોવા મળ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી લીંબડી પંથકના લોકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન પારો ઊંચો રહેવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પરંતુ આજે મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર લીંબડી પંથકના વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવનના સુસવાટા અને વરસાદના ટીપાં પડતાં જ સ્થાનિક રહીશોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે અને વાતાવરણ આહલાદક બની ગયું છે.
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં જ સ્થાનિક ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ આગામી દિવસોમાં કૃષિ કાર્ય અને વાવણી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
