News of Tuesday, 7th July 2026
ગુજરાતમાં મેઘમહેર : ચાલુ સીઝનનો સરેરાશ ૨૦.૪૪ ટકા વરસાદ થયો : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે બેટિંગ સાથે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા છલોછલ ભરાતાં હાઈ એલર્ટ જાહેર : ૧૧ ડેમ હાઈ એલર્ટ પર
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર : વલસાડના વાપીમાં સૌથી વધુ ૮.૫૮ ઇંચ (૨૧૮ મીમી) વરસાદ ખાબક્યો : સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૪.૯૮ ટકા પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ : ભારે પૂરની સ્થિતિ વચ્ચે ૧૫૨૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : ૧૬૭ રસ્તાઓ બંધ : અને વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ગાંધીનગર, તા. ૭ જુલાઈ, ૨૦૨૬ : ગુજરાત રાજ્યમાં ચોમાસું-૨૦૨૬ પૂર્ણ રીતે સક્રિય થઈ ચૂક્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સંકલિત રિપોર્ટ અનુસાર, આજ સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીની સ્થિતિએ રાજ્યમાં સીઝનનો કુલ એકંદર ૧૮૫.૭૭ મીમી (આશરે ૭.૩૧ ઇંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સરખામણીએ ૨૦.૪૪ ટકા જેટલો થવા જાય છે. પાછલા વર્ષોની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં કુલ ૯૪૮.૦૬ મીમી (૧૦૮.૧૬ ટકા), વર્ષ ૨૦૨૪માં ૧૨૬૩.૯૦ મીમી (૧૪૩.૧૪ ટકા) અને વર્ષ ૨૦૨૫માં ૧૧૩૩.૭૫ મીમી (૧૨૮.૫૭ ટકા) વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ ૩૮ તાલુકાઓમાં અત્યાર સુધીમાં ૦ થી ૫૦ મીમી, ૯૫ તાલુકાઓમાં ૫૧ થી ૧૨૫ મીમી, ૭૧ તાલુકાઓમાં ૧૨૬ થી ૨૫૦ મીમી, ૩૨ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી અને ૨૪ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે ૧ તાલુકામાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
પ્રાદેશિક વરસાદની સ્થિતિ - સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી:
રાજ્યના પાંચ મુખ્ય ઝોનની વિગતવાર સ્થિતિ જોઈએ તો, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૬૪.૦૪ મીમી નોંધાયો છે, જેના કારણે ત્યાં સીઝનનો કુલ વરસાદ ૩૮૫.૨૦ મીમી (૧૫.૧૬ ઇંચ) એટલે કે સરેરાશના ૨૪.૯૮ ટકાએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬.૪૧ મીમી વરસાદ સાથે કુલ ૨૦૪.૨૩ મીમી (૮.૦૪ ઇંચ) એટલે કે ૨૬.૭૯ ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩.૩૬ મીમી વરસાદ પડતાં કુલ ૧૨૪.૪૭ મીમી (૪.૯૦ ઇંચ) એટલે કે ૧૫.૨૦ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧.૫૧ મીમી સાથે કુલ ૮૭.૬૧ મીમી (૩.૪૫ ઇંચ) એટલે કે ૧૧.૯૯ ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭.૫૦ મીમી સાથે કુલ ૯.૬૦ મીમી (૦.૩૭ ઇંચ) એટલે કે ૧.૯૨ ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક અને વહેલી સવારના ટોપ-૫ તાલુકાઓનો વરસાદી આંકડો:
રાજ્યના ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘ મહેર જોવા મળી છે, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૨૮.૯૦ મીમી (૧.૧૩ ઇંચ) રહ્યો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૫ તાલુકાઓ નીચે મુજબ છે:
• વાપી (વલસાડ): ૨૧૮ મીમી (૮.૫૮ ઇંચ)
• કામરેજ (સુરત): ૧૬૪ મીમી (૬.૪૬ ઇંચ)
• પારડી (વલસાડ): ૧૬૧ મીમી (૬.૩૪ ઇંચ)
• ઉમરગામ (વલસાડ): ૧૫૯ મીમી (૬.૨૬ ઇંચ)
• ઘોઘા (ભાવનગર): ૧૫૬ મીમી (૬.૧૪ ઇંચ)
આ ઉપરાંત, આજે વહેલી સવારે ૦૬:૦૦ કલાકથી ૧૦:૦૦ કલાક સુધીના માત્ર ચાર કલાકના ગાળામાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના આંકડા નીચે મુજબ છે:
• સુબીર (ડાંગ): ૧૦૫ મીમી (૪.૧૩ ઇંચ)
• કામરેજ (સુરત): ૯૩ મીમી (૩.૬૬ ઇંચ)
• વાલોડ (તાપી): ૯૩ મીમી (૩.૬૬ ઇંચ)
• બારડોલી (સુરત): ૮૭ મીમી (૩.૪૩ ઇંચ)
• વ્યારા (તાપી): ૬૪ મીમી (૨.૫૨ ઇંચ)
ડેમોની સ્થિતિ - નર્મદા ડેમ ૬૪.૯૮ ટકા ભરાયો, ૧૧ ડેમ હાઈ એલર્ટ પર:
રાજ્યની જળસંપત્તિની વાત કરીએ તો, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (નર્મદા ડેમ) માં હાલમાં ૨૧૭૦૮૮ mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના ૬૪.૯૮ ટકા જેટલો થાય છે. ડેમમાં હાલમાં ૨૩૮૦૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નદી તરફ ૬૨૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ૨૨૩૨૩૩ mcft છે, જે કુલ ક્ષમતાના ૪૦.૦૧ ટકા જેટલો છે. આ ૨૦૬ જળાશયોમાંથી ૦૫ ડેમ ૧૦૦ ટકા સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, ૧૭ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૫૪ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૧૦૯ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે.
પાણીની અતિશય આવકને કારણે રાજ્યના ૧૧ ડેમ 'હાઈ એલર્ટ' પર, ૦૪ ડેમ 'એલર્ટ' પર અને ૦૭ ડેમ માટે 'વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ૧૮૨.૧૮ ફૂટની વર્તમાન સપાટી સાથે ૧૦૦ ટકા ભરાઈ જતાં તેમાં ૯૪૪૦ ક્યુસેક પાણીની આવક સામે તેટલું જ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ અને સાવરકુંડલાનો સૂરજવાડી ડેમ, ભાવનગરના મહુવાનો માલન અને રોજકી ડેમ તથા પાલીતાણાનો શેત્રુંજી ડેમ, તાપીના સોનગઢનો દોસવાડા ડેમ, અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ, ભાવનગરના ઉમરાળાનો રંગહોલા ડેમ, મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી ડેમ અને સુરેન્દ્રનગરના વઢવાણનો ધોળીધજા ડેમ ૧૦૦ ટકાથી લઈને ૯૧.૯૬ ટકા સુધી ભરાઈ જતાં આ તમામ ૧૧ ડેમ માટે 'હાઈ એલર્ટ' જાહેર કરાયું છે.
૧૫૨૮ લોકોનું સ્થળાંતર, ૧૬૭ રસ્તાઓ બંધ અને વીજ પુરવઠો ખોરવાયો:
ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ (NDRF) ની ૧૧ ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ (SDRF) ની ૨૫ પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યભરમાંથી કુલ ૧૫૨૮ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ફસાયેલા ૧૩૪ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી વધુ સ્થળાંતર અમરેલી જિલ્લામાં ૬૪૧ લોકોનું (૭૬ રેસ્ક્યુ) અને ગીર સોમનાથમાં ૪૮૦ લોકોનું (૧૨ રેસ્ક્યુ) કરવામાં આવ્યું છે.
માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ, પાણી ભરાવાને કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર માટે કુલ ૧૬૭ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં ૧ સ્ટેટ હાઈવે (ખેડા જિલ્લો), ૭ અન્ય મુખ્ય માર્ગો, ૧૫૭ પંચાયત હસ્તકના રસ્તાઓ અને ૨ નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં ૬૨ પંચાયતી રસ્તાઓ અને નવસારીમાં ૨૬ રસ્તાઓ બંધ છે. વાહનવ્યવહાર ખોરવાતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કુલ ૧૮ રૂટ પરની ૬૦ ટ્રિપો બંધ રાખવામાં આવી છે. વિજળી કંપની GUVNL ના અહેવાલ મુજબ, વાવાઝોડા અને વરસાદથી રાજ્યના ૩૨૩૩ ગામો પ્રભાવિત થયા હતા, જેમાંથી ૩૧૭૬ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જ્યારે ૫૭ ગામોમાં કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. માછીમારો માટે ગુજરાતના દરિયાકિનારે હાલ કોઈ ખાસ ચેતવણી નથી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
