તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં મેઘમહેર : જૂનાગઢ અને ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ ખાબક્યો
માંગરોળ અને કેશોદ તાલુકામાં માત્ર થોડા જ કલાકમાં 4-4 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ : સુત્રપાડામાં 3.75 ઈંચ વરસાદ ઝીંકાયો:માળીયા હાટીનામાં 3.45 ઈંચ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ રાજ્યભરમાં હજુ પણ વરસાદની અસમાન વહેંચણી જોવા મળી રહી છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 5.80 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં મેઘો મુશળધાર વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં નોંધાયો છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ આગમન કર્યાની સાથે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 61 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આકાશી આફતમાં સૌથી વધુ માઠી અસર સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં માંગરોળ અને કેશોદ તાલુકામાં માત્ર થોડા જ કલાકમાં 4-4 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે.
આ ભારે વરસાદની ધબધબાટીમાં ગીર સોમનાથનું સુત્રાપાડા પણ પાછળ નથી રહ્યું, જ્યાં 3.75 ઈંચ વરસાદ ઝીંકાયો છે, જ્યારે માળીયા હાટીનામાં 3.45 ઈંચ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ ઉપરાંત, વંથલીમાં 2.75 ઈંચ અને વડોદરાના શિનોરમાં 2.50 ઈંચ વરસાદ નોંધાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. યાત્રાધામ પાટણ-વેરાવળમાં 2.25 ઈંચ, કોડીનારમાં 2.15 ઈંચ તેમજ ભરૂચના હાંસોટમાં 2 ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગીરના તાલાલામાં 1.75 ઈંચ અને સુરતના ઓલપાડમાં 1.50 ઈંચ વરસાદ પડતા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યભરમાં તેનો બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 5.80 ટકા વરસાદ નોંધાયો છે. પ્રાદેશિક સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે, જ્યાં સરેરાશ 8.24 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે મધ્ય-પૂર્વ ઝોનમાં 6.34 ટકા અને સૌરાષ્ટ્રમાં 4.70 ટકા સરેરાશ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યું હોય તેમ ત્યાં માત્ર 2.75 ટકા જ વરસાદ નોંધાયો છે. સૌથી નબળી સ્થિતિ કચ્છ ઝોનની છે, જ્યાં અત્યાર સુધીનો સૌથી ઓછો માત્ર 0.24 ટકા વરસાદ થયો છે. ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના 28 તાલુકાઓ હજી પણ કોરાધાકોર છે, જ્યાં હજી સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
