તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
નવરાત્રિના પર્વમાં મેઘમંડાણના એંધાણ: ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજ, અંબાલાલ પટેલની મોટી આગાહી!
સપ્ટેમ્બરના અંતથી લઈને ઓક્ટોબર સુધી વરસી શકે છે મુસળધાર વરસાદ: અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની પણ શક્યતા

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદી માહોલ જામવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંતથી લઈને ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન રાજ્યના હવામાનમાં ભારે ઉલટફેર જોવા મળી શકે છે. ખાસ કરીને ખેલૈયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે નવરાત્રિના ઉત્સવ દરમિયાન પણ વરસાદી વિઘ્ન આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં મોટો વધારો થયો છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૨ સપ્ટેમ્બર સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. પરંતુ ત્યારબાદ ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં મેઘરાજા ગાજવીજ સાથે ધોધમાર બેટિંગ કરી શકે છે. ૫ ઓક્ટોબરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ખેડૂતોને પણ પોતાના તૈયાર પાકની સુરક્ષા માટે સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.
ઓક્ટોબરમાં વાવાઝોડાનું સંકટ અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની ભીતિ
હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે ૧૦ ઓક્ટોબર બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે વાવાઝોડાની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ૧૪ ઓક્ટોબરથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને ૧૭ ઓક્ટોબરની આસપાસ દરિયામાં ભારે પવન સાથે ખૂબ ઊંચા મોજાં ઉછળી શકે છે. નવરાત્રિના પાવન દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી રાઉન્ડ આવી શકે છે. આ સિવાય નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ પવનનું જોર વધારે રહેવાની સંભાવના દર્શાવાઈ છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
