<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી :કપરાડા અને ધરમપુર પંથકમાં સાંબેલાધાર વરસાદ

વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીર આવતા નદીઓ બે કાંઠે : ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા :સિલધા ગામ પાસે આવેલો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જિલ્લાના કપરાડા અને ધરમપુર પંથકમાં સાંબેલાધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીર આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે.

ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. કપરાડા તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા તેમનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સિલધા ગામ પાસે આવેલો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના અહેવાલો મળ્યા છે.

જોખમી સ્થિતિ: એ છે કે, કોઝ-વે પાણીમાં ગરકાવ હોવા છતાં, કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી નદી ઓળંગી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે, છતાં જીવના જોખમે થતી આ અવરજવર મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા ખેતી અને પશુપાલન પર માઠી અસર પડી છે. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા તથા નદી-નાળાં નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે.

(11:22 PM IST)