<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

રાજ્યમાં ભાદરવામાં ફરી મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમાડશે

રાજ્યમાં ૩-૩ સિસ્ટમ સક્રિય છતાં આગામી ૭ દિવસ સામાન્ય વરસાદની વકી, ૧૬% વરસાદની ઘટ

અમદાવાદ: આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બરાબરનો જામવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી ૧૦ સપ્ટેમ્બરની આસપાસ સમુદ્ર પર એક મજબૂત હવામાન સિસ્ટમ આકાર લેશે, જેનો સીધો માર્ગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ભારેથી અતિભારે ધોધમાર બેટિંગ કરી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળશે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળે ૩ ઈંચ કે તેથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યારે પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ સર્જાશે.  દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે. અહીં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે અમુક સ્થળોએ ૪ ઈંચ કે તેથી વધુ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડે તેવી વકી છે, જેમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગરમાં સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા-મધ્યમ ઝાપટાં ચાલુ રહેશે. વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં તાપમાનમાં પણ ભારે વધઘટ જોવા મળશે. અનુમાન પ્રમાણે ૧૩ સપ્ટેમ્બર બાદ ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, જોકે તેની વચ્ચે પણ વરસાદી છાંટા ચાલુ રહેશે. અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, છતાં ૪થી ૧૦ સપ્ટેમ્બર સુધી માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે. છેક બંગાળની ખાડીથી બનેલી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવા છતાં વરસાદ ન પડતા ખેડૂતો અને નાગરિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૬% વરસાદની ઘટ નોંધાઈ છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હાલ સક્રિય બન્યું છે. આ ત્રણેય સિસ્ટમની હાજરી છતાં આગામી ૪થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદની વકી છે.

(12:33 PM IST)