<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મેઘરાજાએ રાજ્યભરમાં લીધો ‘ટી બ્રેક’, તંત્ર અને ત્રસ્ત જનતાએ લીધો રાહતનો શ્વાસ: કપરાડામાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ, નવા નીરથી 14 ડેમ છલોછલ!

24 કલાકમાં સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.5 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજા થંભ્યા: સરદાર સરોવરમાં 69% જળસંગ્રહ, રાજ્યના 21 ડેમ હાઇ એલર્ટ પર

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં સતત ધોધમાર વરસીને જળબંબાકાર સર્જનારા મેઘરાજાએ શનિવારે આખરે થોડો "પોરો" લીધો છે. સતત ભારે વરસાદથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકો અને અહોરાત મથતા વહીવટી તંત્રએ વરસાદનું જોર ઘટતા મોટી રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે સાંજ સુધીમાં રાજ્યના 202 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદનો મુખ્ય આક્રમક મિજાજ માત્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાત પૂરતો જ સીમિત રહ્યો હતો, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ સિવાય અન્ય તાલુકાઓની વાત કરીએ તો નવસારીના ખેરગામમાં 2.68 ઇંચ, નાનાપોંઢા અને દિયોદરમાં 2.36 ઇંચ, લાખણીમાં 2.01 ઇંચ તેમજ ધાનેરા, રાધનપુર અને અમદાવાદના દેત્રોજમાં 1.5 થી 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, આ પહેલાના 24 કલાકમાં પાટણ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. સાંતલપુરમાં આકાશી આફતરૂપી 15 ઇંચ, રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ જેટલો આંકડો ચોપડે નોંધાયો હતો.

તળાવો અને જળાશયોમાં નવા નીરની સસરાટ આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 420.96 ફૂટે પહોંચી ગઈ છે, જેમાં હાલ તેની કુલ ક્ષમતાનો 69.08 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 45 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાઈ ગયો છે. ખુશીની વાત એ છે કે શેત્રુંજી અને મચ્છુ-2 સહિત રાજ્યના 14 ડેમ 100 ટકા છલોછલ ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 21 ડેમોને 'હાઈ એલર્ટ', 4 ને 'એલર્ટ' અને 14 ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 42,302 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 6,781 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

(7:51 PM IST)