તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
સુરતની સૂરત બદલતા મેઘરાજાઃ તાપી બે કાંઠેઃ ૨૨૦૦થી વધુનું સ્થળાંતર
ગઇકાલ રાતથી શરૂ થયેલ અવિરત વરસાદે બપોરે પોરો ખાધોઃ ખાડીઓ ભયજનક બનતા ખાડીપૂરનો ભય

સુરત તા.૨૩: શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરની તમામ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે. ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સુરક્ષાના ભાગરૂપે ૨૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે અને ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરત શહેરમાં ગઈકાલે રાતથી શરૂ થયેલી અવિરત વરસાદી ધબધબાટીના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં આશરે ૫.૦૪ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટી ૩૧૩.૫૯ ફૂટે પહોંચી છે.
ધોધમાર વરસાદ અને ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ જવાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને શહેરની તમામ મુખ્ય ખાડીઓ ભયજનક સપાટી વટાવી જતાં ખાડીપૂરનો ભય વ્યાપી ગયો છે જેમાં ભેદવાડ ખાડીઃ ૭.૫૫ મીટરે પહોંચીને ઓવરફ્લો થઈ છે. મીઠી ખાડીઃ ૮.૬૫ મીટરની સપાટીએ પહોંચી છે. ભાઠેના ખાડીઃ ૭ મીટરની સપાટી વટાવી ચૂકી છે. કાંકરા ખાડી (ઉધના): ૬.૫૦ મીટરે વહી રહી છે. સીમાડા ખાડીઃ ૪.૫૦ મીટરની ભયજનક સપાટી પર પહોંચી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે મહાવીર ચોકથી લક્ષ્મણનગર સુધીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે. રાતોરાત રેસ્કયૂ ઓપરેશન અને ૬૨ પરિવારોનું સ્થળાંતર.
ભેદવાડ ખાડીનું પાણી પાંડેસરાના પ્રેમ નગર વિસ્તારમાં ઘૂસી જતાં, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રે બોટ મારફતે સતત ચેકિંગ હાથ ધર્યું હતું. પાણી વધુ ભરાય તે પહેલાં જ મનપાએ પ્રેમ નગરના ૬૨ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અત્યાર સુધીમાં ખાડી નજીકના વિસ્તારોમાંથી ૨,૨૪૪ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય.
ખાડીઓમાં પાણીનું સ્તર વધતાં અને રસ્તાઓ જળમગ્ન થવાના કારણે ‘ફોસ્ટા' (FOSTTA) દ્વારા આજે સુરતનું પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ અને કારીગરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
પૂર અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા તંત્ર અને પાલિકાનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
