તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
કડીમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન : ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ :વાહનો જપ્ત કરાયા:દંડ વસૂલાયો
100થી વધુ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો દ્વારા સઘન ચેકિંગ :46 જેટલા વાહનચાલકો સામે કેસ દાખલ : 11 વાહનો જપ્ત :કુલ 81 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરો અને એમ.સી.આર ધરાવતા ગુનેગારોના આશ્રયસ્થાનો પર જઈને રૂબરૂ ચેકિંગ

મહેસાણા જિલ્લાના કડી શહેર અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા એક મોટું અને સઘન મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કડી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદાના રક્ષકોએ આધુનિક ટેકનોલૉજી અને ચુસ્ત માનવબળના સમન્વય સાથે આ આખા ઓપરેશનને અંજામ આપ્યો હતો, જેને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ મેગા કોમ્બિંગ ઓપરેશનને સફળ બનાવવા માટે કડી પોલીસ દ્વારા 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ખાસ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ કડી શહેર અને તેના સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકો અને વિસ્તારો પર કડક નજર રાખવામાં આવી હતી.
આ ઓપરેશનની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં આધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કડીના પોદલપરા વિસ્તારમાં આવેલી દુર્ગમ બાવળની ઝાડીઓમાં સામાન્ય રીતે નજર પહોંચાડવી મુશ્કેલ હોય છે, ત્યાં પોલીસે ડ્રોનની મદદથી આકાશમાંથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રોન ફૂટેજની મદદથી ઝાડીઓમાં છુપાઈને ચાલતી દેશી દારૂની જીવંત ભઠ્ઠી પોલીસના લોકેશનમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ત્યાંથી દેશી દારૂ, વોશ અને દારૂ બનાવવાના અન્ય સાધનો સહિત કુલ રૂપિયા 82,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
કોમ્બિંગ ઓપરેશનની સાથે-સાથે કડીના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર કડક વાહન ચેકિંગ એટલે કે ટ્રાફિક ઝૂંબેશ પણ ચલાવવામાં આવી હતી. આ ઝૂંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 જેટલા વાહનચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કાયદાકીય દસ્તાવેજો વિના કે ગંભીર બેદરકારી દાખવનારા 11 વાહનોને પોલીસે ઘટનાસ્થળે જ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂપિયા 9,000નો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે વિસ્તારના કુલ 81 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરો અને એમ.સી.આર ધરાવતા ગુનેગારોના આશ્રયસ્થાનો પર જઈને રૂબરૂ ચેકિંગ કર્યું હતું. તેમની વર્તમાન પ્રવૃત્તિઓની વિગતો મેળવીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ, કડી ટાઉનમાં બહારથી આવીને રોકાતા લોકો પર નજર રાખવા માટે ત્યાં આવેલી તમામ હોટલો, હાઇવે પરના ઢાબા અને ગેસ્ટહાઉસના રજીસ્ટરોની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ શંકાસ્પદ કે અજાણ્યો શખ્સ આશ્રય ન મેળવી શકે. કડી પોલીસના આ આક્રમક અને આધુનિક મેગા ઓપરેશનથી સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
