<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનું મેગા સ્વચ્છતા અભિયાન: 6 લાખથી વધુ ભંગારનો નિકાલ : 1800 રૂમ જેટલી જગ્યા ખુલ્લી થઈ

સરકારી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલ જેવી ચકાચક બની: 5 લાખ ચાદર-ગાદલા, 10 હજાર તબીબી સાધનો અને 5486 જૂના વાહનોનો નિકાલ

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૨૨ : રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા મહા સ્વચ્છતા અભિયાનને ઐતિહાસિક સફળતા મળી છે. વર્ષોથી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ખડકાયેલા ભંગારના નિકાલથી આરોગ્ય વિભાગને અંદાજે 1800 રૂમ જેટલી એટલે કે 100 રૂમ ધરાવતી 18 હોસ્પિટલ જેટલી જગ્યા ઉપયોગ માટે ખાલી મળી છે.

આ અભિયાન અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "આ કામગીરી બાદ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાનગી સંસ્થાઓ જેટલાં સ્વચ્છ બન્યાં છે. હવે આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે."

આ અભિયાન દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાંથી લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં પડેલી સામગ્રીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં તૂટેલી ટાઈલ્સ, કાચની બારીઓ, નળ, કમોડ, પાઇપલાઇન, છૂટા વાયર, ખરાબ સ્વિચ, ટ્યુબલાઇટ, પંખા, એસી, જૂનું ફર્નિચર, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

 

અહેવાલ મુજબ અભિયાનમાં આશરે 5 લાખ ચાદર, ઓશીકા અને ગાદલા,10,000 બિનઉપયોગી તબીબી સાધનો,20,000 બંધ બલ્બ અને ટ્યુબલાઈટ,17,266 નકામા ફાયર એક્સ્ટિંગ્વિશર,5,486 જૂના સરકારી વાહનો અને 807 એમ્બ્યુલન્સ જેવી 6 લાખથી વધુ વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

બિનઉપયોગી સામગ્રી દૂર થતા હવે આ ખાલી પડેલી 1800 રૂમ જેટલી જગ્યાનો ઉપયોગ દર્દીઓ માટે નવી સુવિધાઓ વિકસાવવા, તબીબી સાધનોની વ્યવસ્થિત ગોઠવણી અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે કરવામાં આવશે. ઉપરાંત નિકાલ કરાયેલી વેચાણપાત્ર સામગ્રીમાંથી નિયમો અનુસાર સરકારને આવક પણ થશે.

રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ સરકારી સંસ્થાઓમાં સ્વચ્છ, સુવ્યવસ્થિત વાતાવરણ ઉભું કરી નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.

(3:54 PM IST)