News of Wednesday, 25th November 2026
આદિવાસી પરંપરાગત વૈદુભગતોનો ઔષધીય વનસ્પતિ મેળો
ડાંગ, આહવા અને વલસાડના ૩૦૦થી વધુ વૈદુભગતો પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને જડીબુટ્ટીઓનું પ્રદર્શન કરશે ડિસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં યોજાશે મેળોઃવનસ્પતિ ઔષધિઓ, પરંપરાગત સારવાર, આદિવાસી હસ્તકલા અને ભોજન બનશે આકર્ષણ

રાજકોટઃ આદિવાસી સમાજના વર્ષો જૂના પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન, જડીબુટ્ટીઓ અને ઔષધીય વનસ્પતિઓની વિરાસતને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુથી રાજકોટમાં વિશિષ્ટ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પછાત મહિલા વિકાસ મંડળ, ભાવનગર દ્વારા ડાંગ, આહવા અને વલસાડ જિલ્લાના આદિવાસી પરંપરાગત વૈદુભગતોને એક મંચ પર લાવી તા. ૧૨થી ૧૬ ડિસેમ્બર દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આ મેળો યોજાશે.
મેળામાં ૩૦૦થી વધુ આદિવાસી વૈદુભગતો ભાગ લેશે, જેઓ પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિઓની ઓળખ, ઉપયોગ તથા તેના ગુણધર્મો અંગે માહિતી આપશે. આ વૈદુભગતો વર્ષોથી જંગલોમાંથી મળતી વનસ્પતિઓ દ્વારા પોતાના પરંપરાગત જ્ઞાનના આધારે લોકોની સારવાર કરતા આવ્યા છે. મેળામાં એક હજારથી વધુ વનસ્પતિ ઔષધિઓની ઓળખ અને તેના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવશે.
મેળામાં માલકાંગણી, સફેદ મુસળી, આરોગ્યવર્ધક વનસ્પતિઓ, જંગલી વટાણા, રગત રોકડો, અર્જુનસાદ, પાવળની છાલ, ટેન્ટની છાલ, કેકડા, સાપમુખા, લોખંડી, સવલા, મેણા, જંગલી સરગવો, શતાવરી, ઉમરો, વડ, કરીયાતું, કાકા કરેટિયો, બ્રાહ્મી, અડકડગરો, લીંડણપાન સહિત અનેક ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન કરવામાં આવશે.
આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘બાહરી કેંદરા' સાથે શુદ્ધ મધ, નાગલી બનાવટની વાનગીઓ, અડદની દાળ, ભુજિયું, નાગલીના રોટલા, મકાઈના રોટલા, વાંસનું અથાણું, પાપડીનું શાક, અડદ-મકાઈના વડા સહિત પરંપરાગત વાનગીઓ પણ મેળામાં પીરસવામાં આવશે. વાંસના રમકડાં, માટીનાં વાસણો અને આદિવાસી હસ્તકલાની વસ્તુઓ પણ મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ બનશે.
મેળામાં પેટાલીસીસ માટે મસાજ તથા બોડી મસાજ, આદિવાસી ભાઈ-બહેનો દ્વારા સ્ટીમ-પેટી અને સ્ટીમ સારવાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ઓર્ગેનિક ખાદ્ય સામગ્રીમાં ચોખા, અડદની દાળ, બટેટાની દાળ, મરચું, જીરું, હળદર તથા નાગલીના બિસ્કિટ, પાપડ અને લોટ સહિતની વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે.
આ પ્રકારના મેળાનું ગુજરાતમાં સૌપ્રથમ આયોજન અમદાવાદના વષાાપુર હાટ ખાતે તા. ૧૮થી ૨૨ નવેમ્બર, ૨૦૧૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત, રાજકોટ અને અમદાવાદ ખાતે પણ તેનું આયોજન થઈ ચૂક્યું છે. રાજકોટમાં અગાઉ તા. ૨થી ૭ જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આ મેળો યોજાયો હતો. હવે ફરી રાજકોટમાં આ વિશિષ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
