News of Tuesday, 17th November 2026
મેડિકલમાં પ્રવેશ પૂર્ણઃ ૩ બેઠક ખાલી, ડિપોઝિટ જપ્ત, ડેન્ટલ માટે વધુ રાઉન્ડ
ખાલી ૯૧ બેઠક પર પ્રવેશ ફાળવણી બાદ ડેન્ટલમાં ૨, મેડિકલમાં ૧ બેઠક ખાલી પડી : ઓલ ઇન્ડિયા ક્વોટામાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે ડેન્ટલ માટે નવા રાઉન્ડ કરાશે

અમદાવાદ,તા.૧૭: ડેન્ટલમાં ખાલી પડેલી ૯૧ બેઠકો માટે વધારાનો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. વધારાના રાઉન્ડ પછી મેડિકલમાં ૧ અને ડેન્ટલમાં ૨ બેઠકો ખાલી પડી છે. છેલ્લા રાઉન્ડમાં આ તમામ બેઠકો પર પ્રવેશ ફાળવ્યા પછી પણ પ્રવેશ કન્ફર્મ ન કરાવતાં ત્રણેય વિદ્યાર્થીઓના ૯ લાખ ૩૦ હજાર રૂપિયા ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. ડેન્ટલની ખાલી પડેલી બેઠકો માટે ઓલ ઈન્ડિયા ક્વોટામાં નવેસરથી રાઉન્ડ શરૂ કરતાં સ્થાનિક કક્ષાએ પણ વધુ એક રાઉન્ડ થાય તેવી શક્યતા છે. મેડિકલ-ડેન્ટલમાં પાંચ રાઉન્ડ પછી પણ ૯૧ બેઠકો ખાલી પડી હતી. જેમાં મેડિક્લની ૫૬ અને ડેન્ટલની ૩૨ બેઠકોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત હાઈકોર્ટના આદેશ પ્રમાણે મેડિકલમાં વધારાની ૧ અને ડેન્ટલમાં ૨ બેઠકો મળીને કુલ ૯૧ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરવા માટે આપેલી મુદત પૂરી થયા બાદ મેડિકલની ૧ અને ડેન્ટલ ૨ બેઠકો મળી કુલ ૩ બેઠકો ખાલી પડી હતી. છેલ્લા વધારાના રાઉન્ડમાં પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવે તેની ૩ લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અને ૧૦ હજાર ડિપોઝિટ મળીને કુલ ૩ કરવામાં આવશે લાખ ૧૦ હજાર રૂપિયા જપ્ત તેવી સૂચના પ્રવેશ સમિતિએ આપી હતી. સમિતિ દ્વારા દરેક બેઠક પર પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. મુદત પૂરી થયા બાદ મેડિકલમાં ૧ અને ડેન્ટલમાં ૧૨ મળી કુલ ૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતાં ૯ લાખ રૂપિયાથી વધારેની ડિપોઝિટ જપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર દેશમાં હાલમાં મેડિકલમાં અંદાજે ૨ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. ડેન્ટલમાં પણ અનેક કોલેજોમાં બેઠકો ખાલી પડી છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ડેન્ટલમાં ખાલી પડેલી બેઠક માટે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે વધારાનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે સ્થાનિક કક્ષાએ ડેન્ટલમાં ખાલી પડેલી ૨ બેઠકો માટે પણ નવો રાઉન્ડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં નવા રાઉન્ડ અંગે જાહેરાત કરવામાં આવશે. જોકે, મેડિકલમાં ખાલી પડેલી બેઠકો માટે હવે કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા નથી.
MDSની ૧૦ બેઠકો ખાલી પડતાં ડિપોઝિટ જપ્ત
માસ્ટર ઓફ ડેન્ટલમાં ચાલતી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત પૂરી થયા બાદ ૧૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતાં તેમની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવી છે. નોન રિપોર્ટેડ થયેલી બેઠકો હવે આગામી ચોથા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
