<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ડ્રગ્સ માફિયાઓ પર ગુજરાત પોલીસનો માસ્ટરસ્ટ્રોક: રાજ્યના દરેક જિલ્લામાં 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' રચવા આદેશ

આગામી ૭ દિવસમાં તમામ યુનિટો કાર્યરત થશે; એનડીપીએસના ગુનાઓ માટે ખાસ રચાનારી આ સ્પેશિયાલાઇઝ્ડ ટાસ્ક ફોર્સમાં સ્થાનિક પોલીસની બેદરકારી પર રહેશે કડી નજર

ગાંધીનગર : ગુજરાતને સંપૂર્ણ 'ડ્રગ-ફ્રી' બનાવવા અને નશાના દૂષણને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્ર મલિક દ્વારા એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત આગામી ૭ દિવસમાં રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW) યુનિટ્સ સત્તાવાર રીતે કાર્યરત કરી દેવા આદેશ જારી કરવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાએ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની તર્જ પર હવે દરેક જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ રચાનારી આ ANW એક 'સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ' તરીકે માત્ર અને માત્ર NDPS (માદક દ્રવ્યો) સંબંધિત ગુનાઓ પર જ સઘન કામગીરી કરશે, જેમાં દરેક યુનિટમાં ૧ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧ પીએસઆઈ, ૨ એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ અને ૪ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૮ સક્ષમ અધિકારી-કર્મચારીઓની ટીમ અલાયદા વાહન સાથે તૈનાત રહેશે.

આ સ્પેશિયલ વિંગના સુપરવિઝનને લઈને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષાએ એસપી (SP)ના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે અમદાવાદમાં ૨, સુરતમાં ૨, વડોદરામાં ૧ અને રાજકોટમાં ૧ યુનિટ જોઈન્ટ/એડિશનલ સીપીના સુપરવિઝન હેઠળ કામ કરશે અને ANTF દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો તથા હોટસ્પોટ્સ પર સતત સર્વેલન્સ રાખીને રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં લેવા માટે CID ક્રાઇમને દરખાસ્ત મોકલશે.

ભૂતકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ૩૭૦૦થી વધુ ગુના નોંધી ૫૩૪૬ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૧૩,૬૦0 કરોડથી વધુનું ૧.૩૬ લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે, ત્યારે હવે આ નવા યુનિટ્સની રચના બાદ પણ જો સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સની પ્રવૃત્તિ કે તપાસમાં કોઈ નિષ્કાળજી કે બેદરકારી જણાશે તો સંબંધિત પોલીસ કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(11:13 AM IST)