<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

સુરતમાં PM આવાસના સર્વેમાં મોટેપાયે ગેરરીતિ અને નિયમભંગનો પર્દાફાશ: 917 મકાનો ભાડે આપેલા અને 6,135 બંધ હાલતમાં મળ્યા

અઠવા અને રાંદેર ઝોનમાં મોટો ગેરઉપયોગ પકડાતાં ચેરમેન દિગ્વિજયસિંહ બારડના આદેશથી નિયમભંગ કરનારા તમામ માલિકોને નોટિસ ફટકારી કાર્યવાહી શરૂ કરાઈ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવેલા આવાસ મકાનોમાં વ્યાપક ગેરરીતિ અને નિયમભંગનો પર્દાફાશ થયો છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાના પાકા ઘરનું છત્ર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજનાના મકાનોમાં મોટા પાયે ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદો બાદ પાલિકા તંત્રએ હાથ ધરેલા વ્યાપક ડોર-ટુ-ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

 

પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલા કુલ 17,066 પ્રધાનમંત્રી આવાસોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચકાસણી દરમિયાન સામે આવ્યું કે કુલ આવાસમાંથી માત્ર 8,925 મકાનોમાં જ મૂળ લાભાર્થીઓ રહેતા હતા. જ્યારે 917 જેટલા મકાનોમાં મૂળ ફાળવણીદારને બદલે અન્ય ભાડૂઆતો રહેતા હોવાનું પકડાયું હતું. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે કુલ 6,135 આવાસો વર્ષોથી તાળાં મારેલી કે બંધ હાલતમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે વાસ્તવિક જરૂરિયાત વિના જ આવાસો મેળવી લેવાયા હતા.

 

 

ઝોનવાર માહિતી અનુસાર, શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં મોટા પાયે ઉલ્લંઘન સામે આવ્યું છે. અઠવા ઝોનમાં અહીં 398 આવાસો નિયમો વિરુદ્ધ ભાડે અપાયેલા મળ્યા હતા, જ્યારે 2,217 આવાસો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. રાંદેર વિસ્તારમાં 333 મકાનો અન્ય વ્યક્તિઓને ભાડે આપી દેવાયેલા પકડાયા હતા, જ્યારે 2,727 જેટલા ફ્લેટ્સ પર તાળાં લટકતા મળ્યા હતા.

 

 

આ સમગ્ર કૌભાંડ અને નિયમભંગ મામલે સ્થાયી સમિતિ કે આવાસ કમિટીના ચેરમેન દિગ્વિજયસિંહ બારડ દ્વારા કડક વલણ દાખવવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ મૂળ ફાળવણીદારો સામે આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પાલિકા તંત્ર દ્વારા તમામ કસૂરવાર મકાનમાલિકોને કાયદેસરની નોટિસો ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો સંતોષકારક ખુલાસો નહીં મળે તો આવા આવાસોની ફાળવણી રદ કરી જરૂરિયાતમંદ લોકોને ફાળવવા સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા હવે આવાસોમાં નિયમિત સમયાંતરે આકસ્મિક તપાસ પણ હાથ ધરાશે.

(9:44 PM IST)