તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
અમદાવાદના ગ્યાસપુર મેટ્રો ડેપો નજીક ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ:એક જ સ્થળે બે અલગ અલગ ભાગમાં લાગેલી આગમાં 80 જેટલા ઝૂંપડા બળીને ખાખ:તપાસ શરૂ
એક જ જગ્યાએ બે અલગ-અલગ વિસ્તારમાં આગ લાગી હોવાથી કોઈએ જાણીજોઈને આગ લગાવી હોવાનું ફાયર વિભાગે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું

અમદાવાદ શહેરના ગ્યાસપુર મેટ્રો ડેપો નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અંદાજિત 80 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ જતાં ગરીબ અને શ્રમજીવી પરિવારોની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે એક જ જગ્યાએ બે અલગ-અલગ વિસ્તારમાં આગ લાગી હોવાથી કોઈએ જાણીજોઈને આગ લગાવી હોવાનું ફાયર વિભાગે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે.
મળતી વિગતો અનુસાર, ગ્યાસપુર મેટ્રો ડેપો પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક જગ્યાએ 10 ઝૂંપડા અને તેની નજીક જ બીજી જગ્યાએ 70 જેટલા ઝૂંપડા એમ કુલ મળીને અંદાજિત 80 જેટલા ઝૂંપડા આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આગની જાણ થતા જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મણિનગર, જમાલપુર અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનની કુલ 10 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.
એક જ સ્થળ પર બે અલગ-અલગ ભાગમાં આગ લાગી હોવાથી આ ઘટના શંકાસ્પદ જણાઈ રહી છે. ફાયર વિભાગ દ્વારા એવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને આ આગ લગાવવામાં આવી હોઈ શકે છે. બીજી તરફ, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
