તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અમદાવાદના કાળીગામ રેલવે યાર્ડમાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં ભીષણ આગ: સદનસીબે મોટી જાનહાનિ ટળી
રેલવે યાર્ડમાં ટ્રેનનું મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ડબ્બામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા તંત્ર દોડતું થયું; ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગામ રેલવે યાર્ડમાં આજે બપોરના સમયે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગેલી આગને પગલે રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. યાર્ડમાં ટ્રેનના ડબ્બાઓના નિભાવણી (મેન્ટેનન્સ)ની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક ડબ્બાના આંતરિક ભાગમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી, જેને કારણે આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ અને જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની તીવ્રતા જોઈને ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી ટ્રેનનો અન્ય ડબ્બો આગની ઝપેટમાં ન આવે તે માટે સાવચેતીના ભાગરૂપે તાબડતોબ કામગીરી હાથ ધરી હતી. થોડા કલાકોની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં ફાયર ટીમને સફળતા મળી હતી.
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ કાળીગામ યાર્ડમાં ઊભેલી ટ્રેનના એક ખાલી કોચમાં લાગી હતી. સદનસીબે, ડબ્બામાં કોઈ પેસેન્જર કે સ્ટાફ સભ્યો હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. રેલવે દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને આગ કેવી રીતે લાગી તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ તકનીકી ક્ષતિ આગ માટે જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ નિષ્ણાતોની તપાસ બાદ જ સત્ય સામે આવશે.
આ ઘટનાને પગલે રેલવે યાર્ડમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ટ્રેન વ્યવહાર કે અન્ય કામગીરી પર તેની કોઈ ખાસ અસર પડી નથી. આ બનાવ અંગે રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
