તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ગાંધીનગરના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ: ફોમ સીટોના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા મચી દોડધામ
આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો મેજર કૉલ; કલોલ, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ફાયરની ૧૫ ગાડીઓ ઘટનાસ્થળે રવાના

સાંતેજ : ગાંધીનગર જિલ્લાના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફેક્ટરીની અંદર મોટી માત્રામાં ફોમ સીટો રાખવામાં આવી હોવાને કારણે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા અને શ્રમિકો સમયસર ફેક્ટરીમાંથી બહાર નીકળી જતા સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તરત જ મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે કલોલ ઉપરાંત કડી, ગાંધીનગર, માણસા, અમદાવાદ અને વડસરથી ગજરાજ વાહનો સહિત અંદાજે ૧૫ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગના કારણે સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન દ્વારા ફેક્ટરીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે તેમજ નજીક આવેલી લેબર કોલોનીને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ચારેય બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, અને આગ ઓલવ્યા બાદ આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
