<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદના મકરબા પાસે ‘સોલિટર’ નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ : ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી

બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો

અમદાવાદ શહેરના સરખેજ-મકરબા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મકરબા પાસે આવેલી ‘સોલિટર’ નામની જાણીતી કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી પ્રચંડ છે કે તેના ધૂમાડાના કાળા ગોટેગોટા દૂરો-દૂર સુધી આકાશમાં જોઈ શકાય છે. બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. 

આગ લાગવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં અમદાવાદ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની અને પાણીનો મારો ચલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ એક કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી ઘટના સમયે ત્યાં અનેક લોકો હાજર હોવાની આશંકા સેવાઈ રહી હતી. બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી પણ સમાંતરે શરૂ કરવામાં આવી હતી. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસનો કાફલો પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને ભીડને નિયંત્રિત કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

(6:35 PM IST)