News of Friday, 6th November 2026
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં મટોડ GIDCની એક ચોકલેટ કંપનીમાં ભીષણ આગ
ફાયર બ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે: આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી આગની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા નજીક આવેલી એક જાણીતી ચોકલેટ બનાવતી કંપનીમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી બધી વિકરાળ અને ભયાનક હતી કે જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ જતા આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 3થી વધુ ગાડીઓ તાત્કાલિક કામે લગાડવામાં આવી હતી. આ ઉપરાંત આગની ભીષણતાને કાબૂમાં લેવા માટે બાવળા, ધોળકા તેમજ આસપાસની ખાનગી ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
આ ભયાનક આગની દુર્ઘટનામાં રાહતના સમાચાર એ છે કે સમયસર કામદારો બહાર નીકળી ગયા હોવાને કારણે હાલ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, કંપનીમાં મોટા પાયે માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાથમિક તબક્કે આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાતું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ સંપૂર્ણપણે હોલવ્યા બાદ નુકસાન અને આગના મૂળ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
