<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

દક્ષિણ ગુજરાતમાં મરીન કમાન્ડો નવસારીના 53 કિમી લાંબા દરિયાકાંઠે મેગા સર્ચ :અમિતકુમાર વિશ્વકર્મા

એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમાર દ્વારા વિશેષ સૂચના:શંકાસ્પદ હિલચાલ અને ડ્રગ્સ સામે ઓપરેશન, 11માં દિવસે બીજીવાર ફૂટ પેટ્રોલિંગ

ગુજરાતના સંવેદનશીલ દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત કરવાના ભાગરૂપે નવસારી જિલ્લાના 53 કિમી લાંબા દરિયાકાંઠા પર પોલીસ તંત્ર દ્વારા અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે. એટીએસ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ હિલચાલ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે મરીન કમાન્ડો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 11 દિવસમાં બીજીવાર ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. અગાઉ 6 એપ્રિલે પણ ઓપરેશન કરાયું હતું.
રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને ડ્રોન જેવી શંકાસ્પદ ગતિવિધિઓ પર લગામ કસવા માટે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમાર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્લાનિંગ હેઠળ નવસારીના સમગ્ર દરિયાઈ વિસ્તારને 5થી 10 કિમીના સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે, જ્યાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો તૈનાત છે.
17 એપ્રિલ 2026ના રોજ ફિશ લેન્ડિંગ સેન્ટર તરીકે જાણીતા ભાટગામથી કનાઈખાડી સુધીના વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના DySP આર.એચ. પટેલ અને PI યુ.જે. પટેલની આગેવાનીમાં મરીન કમાન્ડોએ કાર્યવાહી કરી હતી:
નિરીક્ષણ: દરિયાકાંઠાની અવાવરુ અને શંકાસ્પદ જગ્યાઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું.
પૂછપરછ: દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટો અને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરાઈ.
વાહન ચેકિંગ: કાંઠા વિસ્તારમાં પાર્ક કરેલા શંકાસ્પદ વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી.
સુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સતત નજર રાખી રહી છે. અગાઉ 6 એપ્રિલ 2026ના રોજ પણ ઓજલમાછીવાડ, કૃષ્ણપુર, રાણાભાઠા, ચોરમલાભાઠા અને મોવાસા જેવા દરિયાકાંઠાના ગામોમાં મરીન કમાન્ડોની 'હીટ ટીમો' દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
દરિયાઈ માર્ગે થતી નશાના કારોબારની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે નવસારી પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે

(2:20 PM IST)