<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

આણંદમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ:સુરતથી રાજકોટ લઈ જવાતો રૂ.27.96 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો: મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ

પોલીસે કાર, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.36.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો :વાસદ પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ

આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આણંદ એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે 55.920 કિલોગ્રામ સૂકા ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાની બજાર કિંમત રૂ.27.96 લાખ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો સુરતથી વાસદ થઈ રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હોવાની વિગતો મળી છે.

આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સની સૂચના અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગને ગાંજાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ સફેદ રંગની કારમાં ગાંજાનો જથ્થો સુરતથી વાસદ થઈ રાજકોટ તરફ લઈ જવામાં આવવાનો હતો. આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.આઈ. ચાવડા અને SOGની ટીમે સંયુક્ત રીતે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ કારમાંથી 55.920 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો.

 

 

પોલીસે ગાંજાની હેરાફેરીના મામલે અમરેલી જિલ્લાના રાજુલાનાં ગીતાબેન રણજીતભાઈ વાળા અને ભાવનગરના શાહીદ દાઉદભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલો સુરતનો રાજુભાઈ નામનો અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. તેની શોધખોળ માટે પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત રોકડ રકમ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ.36,17,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 55.920 કિલોગ્રામ ગાંજાની કિંમત રૂ.27,96,000, ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ.11,000, રોકડ રૂ.3,10,800 અને કારની કિંમત રૂ.5 લાખ આંકવામાં આવી છે.

સમગ્ર મામલે વાસદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, રાજકોટમાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરી રહી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(12:38 AM IST)