<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નર્મદા જિલ્લામાં ભારે વરસાદમાં અનેક લોકો પાણીમાં ફસાયા: SDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું, અનેક રસ્તા બંધ થયા

જીલ્લાના લગભગ દરેક તાલુકામાં આવેલ નદીમા લોકો ફસાઈ જતા તેમનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા, કેટલાક રસ્તા બંધ, કેટલાક ગામોના ઘરોમાં પાણી ઘૂસ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં તારીખ ૩૧. ૭.૨૬ એ આગાહી મુજબ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ચાલુ હોવાથી  જનજીવન ખોરવાયું છે, અનેક ગામોની નદી મા લોકો ફસાયા હોય સ્થાનિક તંત્ર અથવા એસડીઆરએફની ટીમો દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવે છે, એક તરફ ભારે વરસાદ અને બીજી બાજુ કરજણ ડેમ માંથી 50  હજાર ક્યુસેક થી વધુ પાણી છોડતા નદી નાળા ઓળંગવા મુશ્કેલ બન્યા છે ત્યારે આજરોજ તિવકવાડા તાલુકા ના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. આમ લગભગ જિલ્લાના દરેક તાલુકામાં આવેલી નદી મા લોકો ફસાતાં રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે, હજુ સુધી કોઇ મૃત્યુ આંક સામે આવ્યો નથી, હજુ વરસાદ ચાલુ છે. જોકે વહીવટી તંત્ર બાઝ નજર રાખી સતત કાર્યવાહી માં કામે લાગ્યું છે માટે જિલ્લાના લોકો માટે મોટી રાહત કહી શકાય.
આજે ભારે વરસાદ માં અનેક નાળા કે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ તંત્ર દ્વારા સલામતી ના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે જેમાં રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું હોય માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગનો ઉપયોગ ન કરે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તેમજ કોઈપણ સંજોગોમાં પાણી ભરાયેલા રસ્તા કે ડાયવર્ઝન પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી. જિલ્લામાં અનેક રસ્તાઓ પણ પાણી ભરાવવાના કારણે બંધ થયા હતા. જ્યારે ભારે વરસાદના કારણે આમદલા ગામના લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા આ તમામ ઘરો ની મુલાકાતે NSUI જીલ્લા પ્રમુખ તેજસ તડવી લઈ, સરકાર તેમજ વહીવટી તંત્ર પાસે વળતર માટે વિનંતી કરી છે.
નર્મદા જીલ્લા કલેક્ટર એ ભારે વરસાદની આગાહી ને લઈ અધિકારીઓ સાથે સતત મીટીંગો કરી તેમજ ગઈકાલે વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી સૂચના આપતા, લાગતા વળગતા દરેક અધિકારીઓ અને એનડીઆરએફ ની ટીમો કામે લાગતા જિલ્લામાં કોઈ અણબનાવ બન્યો નથી

(9:53 PM IST)