તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર: ૩૦ જુલાઈએ મતદાન અને ૩ ઓગસ્ટે પરિણામ
ચૂંટણી પંચના આ આદેશ સાથે જ વડોદરા શહેરના સ્થાનિક રાજકીય પક્ષોમાં જોરદાર ગરમાવો અને સળવળાટ

વડોદરા શહેરના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા શહેરની ખાલી પડેલી પ્રતિષ્ઠિત માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના આ આદેશ સાથે જ વડોદરા શહેરના સ્થાનિક રાજકીય પક્ષોમાં જોરદાર ગરમાવો અને સળવળાટ જોવા મળી રહ્યો છે.
જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, માંજલપુર વિધાનસભા બેઠક માટે આગામી ૩૦ જુલાઈના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીની પ્રક્રિયાને વેગ આપવા માટે આગામી ૧૪ જુલાઈના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૬ જુલાઈ નક્કી કરવામાં આવી છે. તમામ પક્ષો અને ઉમેદવારોના ભાવી ઈવીએમ (EVM) મશીનમાં કેદ થયા બાદ, ૩ ઓગસ્ટના રોજ કડક સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરાશે અને તે જ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં હતી. વડોદરાને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમાં પણ માંજલપુર બેઠક પર ભાજપનું વર્ચસ્વ વર્ષોથી મજબૂત રહ્યું છે. જો કે, આ પેટાચૂંટણીમાં પક્ષ કયા નવા ચહેરા પર દાવ લગાવશે તેના પર સૌની નજર છે. બીજી તરફ, વિપક્ષી દળો પણ આ તકનો લાભ ઉઠાવી ભાજપને કાંટાની ટક્કર આપવા માટે સજ્જ થઈ રહ્યા છે.
ચૂંટણી પંચની આ સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ માંજલપુર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકીય મોરચે ટિકિટ મેળવવા માટેના દાવેદારોએ ગાંધીનગરથી લઈને સ્થાનિક સ્તરે દોડધામ અને લોબિંગ શરૂ કરી દીધું છે. વડોદરાના મતદારો હવે ૩૦ જુલાઈએ કોના પક્ષમાં પોતાનો જનમત આપે છે, તે જોવું રસપ્રદ રહેશે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
