<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્‍ટિસ તરીકે માનસ રંજન પાઠકની નિમણૂકઃ ભારત સરકારની સત્તાવાર જાહેરાત

સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટમાં માનસ રંજન પાઠક કાર્યભાર સંભાળશે

રાજકોટ, તા.૬: જસ્‍ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે  રાષ્‍ટ્રપતિ દ્વારા બંધારણની કલમ ૨૨૩ હેઠળ   આ મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

ભારત સરકારના કાયદા અને ન્‍યાય મંત્રાલય હેઠળના ન્‍યાય વિભાગ (નિમણૂક વિભાગ) દ્વારા તા.૦૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ એક અધિકળત જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. આ જાહેરનામા અનુસાર, ભારતીય બંધારણની કલમ ૨૨૩ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને દેશના રાષ્‍ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશ શ્રી જસ્‍ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકેની ફરજો બજાવવા માટે નિમણૂક કરી છે. આ અંગેનું જાહેરનામું ભારત સરકારના સંયુક્‍ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા સત્તાવાર રીતે જારી કરવામાં આવ્‍યું છે.

આ નવી નિમણૂક ગુજરાત હાઇકોર્ટના વર્તમાન મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રીમતી જસ્‍ટિસ સુનિતા અગ્રવાલની ભારતની સર્વોચ્‍ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના ન્‍યાયાધીશ તરીકે પદોન્નતિ થવાના કારણે કરવામાં આવી છે.જસ્‍ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ તરીકે પોતાનો હોદ્દો સંભાળવા માટે જે તારીખથી ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ પદનો ભાર સંભાળશે તે જ તારીખથી જસ્‍ટિસ માનસ રંજન પાઠક પોતાના નવા હોદ્દાનો પદભાર સંભાળી લેશે. આ નિર્ણયથી ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયિક અને વહીવટી કાર્યો સુચારુ રૂપે ચાલુ રહેશે.

કેન્‍દ્ર અને રાજ્‍યના વિવિધ ઉચ્‍ચ વિભાગોને વિધિવત જાણ કરી દેવામાં આવી છે આ નોટિફિકેશનને ભારત સરકારના ગેઝેટના ભાગ ૧, સેક્‍શન ૨માં પ્રકાશિત કરવા માટે ગવર્નમેન્‍ટ ઓફ ઇન્‍ડિયા પ્રેસને મોકલવામાં આવ્‍યું છે. આ ઉપરાંત, સોલા, અમદાવાદ સ્‍થિત ગુજરાત હાઇકોર્ટના રજિસ્‍ટ્રાર જનરલ મારફતે આ નોટિફિકેશન જસ્‍ટિસ માનસ રંજન પાઠકને રવાના કરાયું છે. તેની સાથે જ ગાંધીનગર ખાતે રાજ્‍યપાલના સચિવ, મુખ્‍યમંત્રીના સચિવ, મુખ્‍ય સચિવ, એકાઉન્‍ટન્‍ટ જનરલ તેમજ નવી દિલ્‍હી સ્‍થિત રાષ્‍ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન કાર્યાલય, સુપ્રીમ કોર્ટના રજિસ્‍ટ્રાર અને ન્‍યાય વિભાગના ટેકનિકલ ડિરેક્‍ટર સહિતના તમામ સંબંધિત વિભાગોને આ હુકમ અંગે જાણ કરી દેવામાં આવી છે.

(2:49 PM IST)