તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મોડાસામાં ફાયરિંગ કરનાર શખ્સ પોલીસ સકંજામાં:જીવણપૂર પાસે એન્જિનિયર ઈજ્જત ન કરતો હોવાની નજીવી વાતે કર્યો ગોળીબાર
સરેઆમ ફાયરિંગ કરી રોફ જમાવવાની ઘટના CCTV માં કેદ :પોલીસે આરોપી પાસેથી એક રિવોલ્વર અને 37 કારતૂસ કર્યા જપ્ત

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. મોડાસાના જીવણપૂર વિસ્તારમાં એક શખ્સે ફિલ્મી ઢબે હવામાં ફાયરિંગ કરીને આસપાસના લોકોમાં દહેશત ફેલાવી હતી. જોકે, અરવલ્લી પોલીસની સતર્કતાને કારણે આરોપીને ગણતરીના કલાકોમાં જ હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, જીવણપૂર પાસે આરોપીએ એક એન્જિનિયર સાથે બોલાચાલી કરી હતી. આરોપીનું કહેવું હતું કે એન્જિનિયર તેની 'ઈજ્જત' કરતો નથી, આ નજીવી બાબતે રોફ જમાવવા માટે તેણે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી હવામાં અને જમીન પર ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં આરોપી શખ્સ સરેઆમ ગોળીબાર કરતો નજરે પડતો હતો.
ફાયરિંગની જાણ થતા જ મોડાસા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી એક રિવોલ્વર અને 37 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા છે, જે પોલીસે જપ્ત કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી પાસે આટલા મોટા પ્રમાણમાં હથિયાર ક્યાંથી આવ્યા અને આ રિવોલ્વર લાયસન્સ વાળી છે કે ગેરકાયદેસર. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
