તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સુરતના ડુમ્મસ વિસ્તારમાં બાંધકામ સાઇટ પરથી 10 મા માળેથી નીચે પટકાતા અઢી વર્ષના માસુમ બાળકનું ઘટના સ્થળે જ મોત
-- માતા-પિતા મૂળ ઉત્તર પ્રદેશના મહુ જિલ્લાના વતની અને હાલ સુરતના ડુમ્મસ વિસ્તારમાં રહીને કડિયા કામ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા: બાળક રમતા રમતા અગાસી કે ખુલ્લી જગ્યા તરફ ચાલ્યો ગયો અને દુર્ઘટના ઘટી

સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક બિલ્ડિંગના બાંધકામ સાઇટ પર રમતા રમતા માત્ર અઢી વર્ષનો માસૂમ બાળક 10 મા માળેથી નીચે પટકાયો હતો. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મૃતક માસૂમ બાળકનું નામ શિવમ હતું. તેના માતા-પિતા મૂળ ઉત્તર પ્રદેશના મહુ જિલ્લાના વતની છે અને હાલ સુરતના ડુમ્મસ વિસ્તારમાં રહીને મકાન બાંધકામ (કડિયા કામ) મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રોજની જેમ તેઓ શિવમને પણ પોતાની સાથે કામના સ્થળે લાવ્યા હતા. માતા-પિતા મજૂરી કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન જ શિવમ રમતા રમતા અગાસી કે ખુલ્લી જગ્યા તરફ ચાલ્યો ગયો અને આ દુર્ઘટના ઘટી.
આ ઘટનાએ બાંધકામ સાઇટો પર શ્રમિકો અને તેમના બાળકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બિલ્ડિંગના ઊંચા માળ પર કોઈ પણ પ્રકારની સેફ્ટી નેટ (સુરક્ષા જાળી) કે આડશ ન હોવાના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી અને સલામતીના અભાવે ફરી એકવાર એક ગરીબ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને એક હસતો-રમતો નિર્દોષ જીવ ગુમાવવો પડ્યો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
