તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
મહીસાગરમાં મમતા લાજી: પ્રેમ સંબંધમાં આડખીલી બનતી જનેતાને સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી પતાવી દીધી, બૂટની દોરીથી ગળે ટૂંપો આપી લાશ તળાવમાં ફેંકી!
કોઠંબા પોલીસે ઉકેલ્યો રહસ્યમય હત્યાકાંડ: લગ્ન તોડાવનાર પ્રેમી અને મિત્રો સાથે મળીને દીકરીએ રચ્યું હતું ખોફનાક કાવતરું, માતાના પ્રેમીએ જ ખેતરમાં બોલાવી મોતને ઘાટ ઉતારી

કોઠંબા (મહીસાગર): મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં માનવતા અને લોહીના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કમાલપુરના નાકા તળાવમાંથી મળી આવેલી એક મહિલાની લાશના રહસ્ય પરથી પોલીસે પડદો ઉઠાવ્યો ત્યારે ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જે દીકરીને માતાએ લાડકોડથી ઉછેરી હતી, તે જ દીકરીએ પોતાના પ્રેમ સંબંધ માટે પોતાની સગી માતાને રસ્તાનો કાંટો સમજી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રેમમાં પાગલ દીકરીએ માતાને માની ‘દુશ્મન’
ઘટનાની વિગતો મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના નવા ખાંધવા ગામના વિધવા પિન્કીબેન બારીયાએ તેમની દીકરીના લગ્ન ધારાપુર ખાતે નક્કી કર્યા હતા. જોકે, દીકરીને ગામના જ કમલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. કમલેશે અગાઉ પિન્કીબેનની દીકરીના લગ્ન એકવાર તોડાવ્યા હતા. પિન્કીબેન દીકરીને બીજે પરણાવવા મક્કમ હતા, જે વાત દીકરીને મંજૂર નહોતી. આ તકરારમાં દીકરીએ તેના પ્રેમી કમલેશને ઉશ્કેર્યો અને માતાને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું.
બૂટની દોરીથી ગળે ટૂંપો અને ફિલ્મી સ્ટાઇલમાં હત્યા
આ હત્યાકાંડમાં સૌથી ચોંકાવનારો વળાંક એ હતો કે તેમાં મૃતક પિન્કીબેનનો પ્રેમી જયેશ પણ સામેલ હતો. કાવતરા મુજબ, જયેશે પિન્કીબેનને રાત્રિના સમયે બાજરીના ખેતરમાં મળવા બોલાવ્યા હતા. ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા કમલેશ અને તેના ચાર મિત્રોએ હુમલો કર્યો હતો. નરાધમોએ ક્રૂરતાની હદ વટાવતા પોતાના બૂટની દોરી કાઢી તેનાથી પિન્કીબેનને ગળે ટૂંપો આપી દીધો હતો. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને મોટરસાઈકલ પર લઈ જઈ મહીસાગરના કમાલપુર તળાવમાં ફેંકી દેવામાં આવી હતી.
પોલીસની ત્વરિત કાર્યવાહી: 6 આરોપીઓ જેલના સળિયા પાછળ
તળાવમાંથી લાશ મળી આવતા જ કોઠંબા પોલીસ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કડીઓ જોડતા પોલીસ સીધી મૃતકની દીકરી સુધી પહોંચી હતી. સઘન પૂછપરછમાં દીકરી ભાંગી પડી હતી અને સમગ્ર પાપનો ઘડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી દીકરી, તેનો પ્રેમી કમલેશ, પિન્કીબેનનો પ્રેમી જયેશ અને અન્ય મિત્રો મળી કુલ 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાવી દીધી છે. સમાજમાં ઘટતી જતી નૈતિકતા અને સંબંધોની પવિત્રતા સામે આ કિસ્સો એક મોટો લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
