<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સુરતના ડુમસ બીચ પર ભરબપોરે મલ્હાર ઠાકરની 'ધરપકડ'! હજારો સહેલાણીઓના જીવ અધ્ધર થયા, જાણો શું છે આખો મામલો

પોલીસ કાફલો, હાથકડી અને સુપરસ્ટાર મલ્હાર: ડુમસ સી-ફેસ પર સર્જાયો ફિલ્મી ડ્રામા, સુરતીલાલાઓ સેલ્ફી લેવા ઘેલા થયા

સુરત, તા.૦૫: રવિવારની રજાની મજા માણવા ઉમટી પડેલા સુરતીઓ માટે ડુમસ બીચ ગઈકાલે કોઈ હોલિવૂડ એક્શન ફિલ્મના સેટ જેવો બની ગયો હતો. ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને 'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી જ્યારે અચાનક પોલીસના કાફલા સાથે ડુમસ સી-ફેસ પર દેખાયા ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
અચાનક પોલીસ ત્રાટકી અને મલ્હારને હાથકડી પહેરાવી!
ડુમસના દરિયાકિનારે હજારોની ભીડ વચ્ચે અચાનક નકલી પોલીસનો કાફલો આવ્યો અને જોતજોતામાં મલ્હાર ઠાકરની ધરપકડ કરી લીધી. મલ્હારને હાથકડીમાં જકડાયેલો જોઈને ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે ગભરાટ અને ગણગણાટ શરૂ થયો હતો. ઘણાને લાગ્યું કે ખરેખર કઈક ગરબડ થઈ છે, પરંતુ થોડી જ ક્ષણોમાં ખબર પડી કે આ તો મલ્હારની આગામી ફિલ્મ 'ધરપકડ' ના પ્રમોશનનો એક અનોખો ભાગ હતો. ફિલ્મના ટાઈટલને સાર્થક કરવા માટે આ લાઈવ ડ્રામા રચવામાં આવ્યો હતો.
સુરતીઓનો મહેરામણ અને 'લાલા'નો ક્રેઝ
ફિલ્મ ‘ધરપકડ’ના અનોખા પ્રમોશન માટે સુરત આવેલા મલ્હાર અને શ્રૃહદ ગોસ્વામી (લાલો) ને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રૃહદ ગોસ્વામીની લોકપ્રિયતા પણ સુરતીઓમાં જોરદાર જોવા મળી હતી. આ બંને કલાકારોએ કલાકો સુધી ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. સુરતના આકરા તાપમાં પણ લોકો પોતાના માનીતા કલાકારો સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.
તારીખ જાહેર થતા જ ઉત્સાહ બમણો
આ ફિલ્મ માટે મલ્હાર અને તેની ટીમે જે રીતે 'આઉટ ઓફ ધ બોક્સ' જઈને પ્રમોશન કર્યું છે, તેનાથી સુરતીઓ જ નહીં પણ આખું ગુજરાત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ કરી રહ્યું છે. મલ્હાર અને શ્રૃહદે સુરતીઓના આ અદભૂત આવકાર બદલ દિલથી આભાર માન્યો હતો. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે થિયેટર્સમાં પણ આ કલાકારોની 'ધરપકડ' થવા જઈ રહી છે! તમે આ અનોખું પ્રમોશન જોયું કે નહીં?

(5:06 PM IST)