<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકીય પ્રચારમાં ફિલ્મ ‘સાહેબ’ના દ્રશ્યોના ઉપયોગથી મલ્હાર ઠાકર લાલઘૂમ

પરવાનગી વગર વીડિયો વાપરનાર પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અભિનેતાની ચીમકી

અમદાવાદ:ચૂંટણી ટાણે સોશિયલ મીડિયા પર ખેલાતી રાજકીય જંગમાં હવે ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ અજાણતા ખેંચાઈ આવ્યા છે, જેને પગલે તેમણે આકરો મિજાજ દર્શાવ્યો છે. સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા મલ્હારે તાજેતરમાં એક વીડિયો જાહેર કરી પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. વિવાદનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મલ્હારની હિટ ફિલ્મ ‘સાહેબ’ ના દ્રશ્યોનો ઉપયોગ કરી કરવામાં આવેલો રાજકીય પ્રચાર છે. કલાકારની સર્જનાત્મક મહેનતને રાજકીય રંગ અપાતા મલ્હારે હવે કાયદેસરના પગલાં ભરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

 

મલ્હાર ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષે તેમની લેખિત પરવાનગી વગર ફિલ્મના દ્રશ્યો કે વીડિયોનો ઉપયોગ ચૂંટણીલક્ષી જાહેરાતોમાં કરવો જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે એક કલાકારની મહેનત અને ફિલ્મના સર્જનાત્મક અંશોને રાજકીય રંગ આપવો તે અત્યંત અયોગ્ય છે. જો આવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો તેઓ ચોક્કસપણે કોર્ટના દ્વાર ખખડાવશે. આ મુદ્દો કલાકારની વ્યાવસાયિક છબી સાથે જોડાયેલો હોવાથી મલ્હારના ચાહકો અને ગુજરાતી ફિલ્મ જગતમાં હાલ આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. મલ્હારે તમામ પક્ષોને કલાકારના કન્ટેન્ટની ગરિમા જાળવવા વિનંતી કરી છે.

(5:40 PM IST)