News of Thursday, 14th May 2026
હિંમતનગરમાં એસઓજીની મોટી કાર્યવાહી:નવલપુર પાસે આઈશર ટ્રકમાં સંતાડેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયું
43 કિલો પોશડોડા અને 110 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત: મંદસૌરથી અમદાવાદ પહોંચાડવાનું હતું:કુલ 17.18 લાખનો મુદ્દામાલ કબજે :એક આરોપીની ધરપકડ, અન્ય બે ફરાર

ગુજરાતમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ સામે સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લાલ આંખ કરી છે. હિંમતનગર તાલુકાના નવલપુર નજીકથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રક માંથી પોલીસે લાખોની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
સાબરકાંઠા એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના મંદસૌરથી એક ટ્રકમાં માદક પદાર્થોનો જથ્થો છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે નવલપુર પાટિયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ગુપ્ત રીતે છુપાવેલો 43 કિલો પોશડોડાનો પાઉડર અને 110 ગ્રામ અફીણ મળી આવ્યું હતું.
પોલીસે માદક પદાર્થો, આઈશર ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹17.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો.
પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ માદક પદાર્થો કોણે મંગાવ્યા હતા અને અત્યાર સુધી કેટલો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસની આ સફળતાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
