News of Friday, 19th June 2026
અમદાવાદ મનપાના પૂર્વ ઝોનમાં 3.76 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ:ગેરરીતિ બદલ 4 અધિકારીઓ સામે ફરિયાદ કરાશે
ઇજનેર વિભાગના ઉત્કર્ષ ભાભોર, રાજેશ રાઠવા, અલ્પેશ મકવાણા અને રમેશ બારીયા નામના ચાર અધિકારીઓએ ગેરરીતિ આચરી :તંત્રએ 1.76 કરોડ રૂપિયાની રિકવરી કર્યા બાદ હવે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામમાં થયેલા કરોડો રૂપિયાના ગોટાળાનો મામલો સામે આવતા પાલિકા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસમાં આ ચોંકાવનારી ગેરરીતિ બહાર આવી છે. આ કૌભાંડ આચરનાર પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના ચાર અધિકારીઓ હવે કાયદાના સંકજામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ ઝોનમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને કુલ 3.76 કરોડ રૂપિયાનો મોટો ફટકો મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ગોટાળામાં ઉત્કર્ષ ભાભોર, રાજેશ રાઠવા, અલ્પેશ મકવાણા અને રમેશ બારીયા નામના અધિકારીઓની ભૂમિકા સામે આવી છે.
આ ગંભીર આર્થિક ગેરરીતિ બદલ AMC દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધી આ અધિકારીઓ પાસેથી 1.76 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે, જ્યારે બાકીની રકમ વસૂલવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. આટલું જ નહીં, આવક કરતા વધુ સંપત્તિના કેસની તપાસ કરવા સાથે AMC દ્વારા આ ચારેય જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કોઈ તત્વો છે કે નહીં, તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
