News of Thursday, 8th October 2026
અમૃતસરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હત્યા કેસમાં મોટો ખુલાસો : મુખ્ય શૂટર પરમિન્દર કાકાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓળખ કરી
અમૃતસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી : ગોળીબાર કરવા સહિત બાઈકની વ્યવસ્થા કરવામાં પરમિન્દરની મુખ્ય ભૂમિકા સામે આવી

અમદાવાદ: પંજાબના અમૃતસરમાં ચર્ચિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર "મેડ સંધૂ" (Mad Sandhu) ની સરેઆમ થયેલી હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. અમૃતસર પોલીસ દ્વારા મળેલા ચોક્કસ ઈનપુટ અને બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સનસનાટીભરી હત્યાકેસના મુખ્ય શૂટર પરમિન્દર પ્રસાદ ઉર્ફે પરમિન્દર કાકાની ઓળખ કરી લીધી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી (DCP Crime) તરફથી મળતી અધિકૃત વિગતો અનુસાર, આરોપી પરમિન્દર કાકાએ જ ઘટનાસ્થળે સીધો ગોળીબાર કર્યો હતો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલની વ્યવસ્થા પણ તેણે જ કરી હતી.
આ ચકચારી હત્યા કેસ સંદર્ભે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩ હેઠળ એફઆઈઆર નંબર ૧૮૬/૨૦૨૬ (FIR No. 186/2026) ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પંજાબ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તથા તજવીજ પુરજોશમાં ચાલી રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
