News of Monday, 18th May 2026
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટાપાયે સંગઠનાત્મક ફેરફારો થશે : નબળા પરિણામોને પગલે હાઈકમાન્ડ એક્શન મોડમાં
કયા જિલ્લા અને મહાનગરપાલિકામાં પક્ષની કામગીરી નબળી,કયા નેતાઓએ નિષ્ક્રિયતા દાખવી અને ક્યાં આંતરિક જૂથબંધી નડી? તમામ બાબતોનો ઉલ્લેખ :સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો વિગતવાર અને ગુપ્ત રિપોર્ટ હાઇકમાન્ડને સોંપાયો

અમદાવાદ :ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આગામી દિવસોમાં ખૂબ જ મોટા સંગઠનાત્મક ફેરફારો થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષને વેઠવી પડેલી કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ અને અસંતોષ સપાટી પર આવી ગયો છે. ચૂંટણીના નબળા પરિણામોને પગલે હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને પક્ષના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાની શક્યતાઓ પ્રબળ બની છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થયા બાદ હારના સાચા કારણો શોધવા માટે દિલ્હી દરબાર સક્રિય થયો છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ આગેવાન અમિત ચાવડાએ તાજેતરમાં જ કોંગ્રેસ હાઇકમાન્ડની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો એક વિગતવાર અને ગુપ્ત રિપોર્ટ હાઇકમાન્ડને સુપ્રત કર્યો છે. આ અહેવાલમાં કયા જિલ્લા અને મહાનગરપાલિકામાં પક્ષની કામગીરી નબળી રહી, કયા નેતાઓએ નિષ્ક્રિયતા દાખવી અને ક્યાં આંતરિક જૂથબંધી નડી, તે તમામ બાબતોનો ઝીણવટપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
કોંગ્રેસના આ પરાજય પાછળનું એક મુખ્ય કારણ ચૂંટણી ટિકિટોની વહેંચણીમાં થયેલો પક્ષપાત હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા સનિષ્ઠ અને સક્રિય કાર્યકરોની ઉપેક્ષા કરીને ચોક્કસ જૂથના કે માનીતા લોકોને ટિકિટો વહેંચવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ટિકિટ ફાળવણીમાં થયેલા આ પક્ષપાત અને ભાઈભત્રીજાવાદને કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી અને આક્રોશ ફેલાયો હતો. આ નારાજગીની સીધી અસર ચૂંટણી પ્રચાર અને મતદાન પર પડી, જેના પરિણામે કોંગ્રેસે અનેક બેઠકો ગુમાવવી પડી છે. કાર્યકરોના આ આક્રોશને હવે હાઇકમાન્ડે પણ ગંભીરતાથી લીધો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચૂંટણી દરમિયાન માત્ર નિષ્ક્રિયતા જ નહીં, પરંતુ પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે પડદા પાછળ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને પદાધિકારીઓની એક યાદી પણ તૈયાર કરવામાં આવી છે. અમિત ચાવડાના રિપોર્ટના આધારે હાઈકમાન્ડ હવે આવા તત્વો સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીમાં છે. પક્ષને નુકસાન પહોંચાડનારા ગમે તેટલા મોટા ગજાના નેતા કેમ ન હોય, તેમને પક્ષમાંથી ઘરભેગા કરવામાં આવશે અથવા તો સસ્પેન્ડ કરીને હાંકી કાઢવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. કોંગ્રેસ હવે 'નો ટોલરન્સ' નીતિ અપનાવીને સંગઠનને શિસ્તબદ્ધ કરવા માંગે છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
