<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમદાવાદમાં રોકાણના નામે મોટું ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ :કરોડોની છેતરપિંડી આચરનાર ભેજાબાજ મિહિર પરીખની ધરપકડ

LICની નકલી રસીદો બનાવી 15 થી વધુ લોકો સાથે છેતરપીંડી : રોકાણના પૈસાથી સરગાસણમાં 15 કરોડનો બંગલો વસાવ્યો: આરોપીની પત્ની અને સાસુ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ : શહેરમાં વધુ એક મોટું ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સામે આવ્યું છે. LIC અને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી નિર્દોષ રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર ભેજાબાજ મિહિર પરીખની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આ કૌભાંડીએ અત્યાર સુધીમાં અંદાજે 26 કરોડ રૂપિયાથી વધુની રકમ ઓળવી હોવાનું સામે આવ્યું છે.

  તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મિહિર પરીખે રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે LIC ની નકલી રસીદો બનાવી આપી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, એક પણ પોલિસી લીધા વગર જ તેણે કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 8 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે પ્રાથમિક તપાસમાં 15 થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાય છે. મિહિરે તેના નજીકના સંબંધીઓને પણ છોડ્યા નથી; તેણે તેની કાકી સાસુ સાથે પણ સારા વળતરના નામે મોટી ચીટિંગ કરી છે.

   રોકાણકારોના પરસેવાની કમાણીમાંથી મિહિરે અત્યંત વૈભવી જીવન વસાવ્યું હતું. તેણે સરગાસણમાં 14 થી 15 કરોડનો આલીશાન બંગલો અને આંબલી જેવા પોશ વિસ્તારમાં ભવ્ય ફ્લેટ ખરીદ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગુનામાં મિહિરની પત્ની, સાસુ અને તેના કર્મચારીઓની પણ સંડોવણી હોવાથી પોલીસ દ્વારા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. EOW હાલમાં આરોપીની મિલકતો અને બેંક ખાતાઓની તપાસ કરી રહી છે જેથી છેતરપિંડીનો આ આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે.

(10:44 PM IST)