<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

વલસાડના ભીલાડમાં ગેસ રિફિલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ, SOGએ દરોડામાં 3 આરોપી ઝડપ્યા

બાતમીના આધારે SOGની કાર્યવાહી, ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલમાં ગેરકાયદે રિફિલિંગ; મોટા જથ્થામાં સિલિન્ડર અને સાધનો જપ્ત

વલસાડ, તા.16

વલસાડ જિલ્લાના ભીલાડમાં ગેસ રિફિલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્થળ પરથી મોટી સંખ્યામાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરો તેમજ રિફિલિંગના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

 

SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીલાડ ખાતે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરમાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચલાવતા હતા. આ કામ માટે ખાસ પ્રકારના પાઈપ, રેગ્યુલેટર અને મોટર પંપનો ઉપયોગ થતો હતો.

 

પોલીસે સ્થળ પરથી નાના-મોટા કુલ 20થી વધુ ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જેમાં ભરેલા અને ખાલી બંને પ્રકારના સિલિન્ડરોનો સમાવેશ થાય છે. સાથે જ રિફિલિંગ માટે વપરાતા ઈલેક્ટ્રિક મોટર, વજન કાંટા, પાઈપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વધુ નામો ખુલવાની શક્યતા છે.

 

આ ગેરકાયદે રિફિલિંગ માત્ર સરકારને આર્થિક નુકસાન પહોંચાડતું નથી, પણ અત્યંત જોખમી પણ છે. ગેસ લીકેજ કે આગની દુર્ઘટનાનો ભય સતત રહે છે. રહેણાંક વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદે ધંધાથી સ્થાનિકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

 

હાલ SOGએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

(4:46 PM IST)