<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

મહીસાગરમાં સરકારી નોકરીના નામે રૂ.31 લાખની મોટી ઠગાઈ: લુણાવાડા પોલીસ મથકે ગુનો દાખલ

બોગસ નિમણૂક પત્રો અને ખોટી માર્કશીટ બતાવી ભેજાબાજે આચરેલી છેતરપિંડી બાદ આરોપી સામે કાનૂની શિકંજો

લુણાવાડા : મહીસાગર જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારી નોકરી મેળવવાની ઘેલછાનો લાભ ઉઠાવી એક ભેજાબાજ શખ્સે નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રૂ. ૩૧ લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ સમગ્ર મામલે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી રાકેશકુમાર ચૌહાણ કે જેઓ લુણાવાડા ગ્રામ વિકાસ એજન્સીમાં મનરેગા યોજના હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેમની મુલાકાત લુણાવાડા જિલ્લા પંચાયતની કેન્ટીન ખાતે મુકેશભાઈ મકનભાઈ તાભીયાર નામના શખ્સ સાથે થઈ હતી. આરોપી મુકેશ તાભીયારે પોતાની મોટી ઓળખાણ હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે કોઈપણ જગ્યાએ નવી સરકારી નોકરી અપાવવાનું કે બદલી કરાવવાનું કામ સરળતાથી કરી આપે છે.

આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પોલીસ નિમણૂકના ખોટા અને બોગસ પત્રો બતાવ્યા હતા. આટલું જ નહીં, TET-1 ની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારને પણ પાસ થયેલી નવી માર્કશીટ બનાવી આપી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ (ટપાલ ખાતા) માં પણ નોકરી અરૂ.પાવવાના નામે નાણાં આંચરી લીધા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીની વાતોમાં આવી જઈને ફરિયાદી અને અન્ય સાક્ષીઓએ અલગ-અલગ સમયે રોકડા તથા ચેક મારફતે કટકે-કટકે કુલ રૂ. ૩૧ લાખ આરોપી મુકેશ તાભીયારને ચૂકવી દીધા હતા.

સમય વીતવા છતાં નોકરી ન મળતાં અને નાણાં પરત ન મળતાં આખરે છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ લુણાવાડા પોલીસ મથકે પહોંચી મુકેશ તાભીયાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે, તેમજ આરોપીની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:29 PM IST)