તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
બરોડા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ મોટો નિર્ણય:સાઈકિયાટ્રિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ચિરાગ બારોટની ભાવનગર ખાતે બદલી
પ્રોફેસર સામે કરવામાં આવેલી રજૂઆત સીધી આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યા બાદ સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરાઈ:ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની ચર્ચા વચ્ચે સંબંધિત પ્રોફેસરની નવી જગ્યાએ બદલી

વડોદરાની મેડિકલ કોલેજમાં પ્રોફેસર સામે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રેગિંગની ફરિયાદ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સાઈકિયાટ્રિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ચિરાગ બારોટની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ પ્રોફેસર દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા સમક્ષ રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પ્રોફેસર સામે રેગિંગ સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ફરિયાદમાં વિદ્યાર્થીઓ સાથેના વ્યવહાર અને કથિત હેરાનગતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલો આરોગ્ય મંત્રી સમક્ષ પહોંચ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલિક સ્તરે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.વિદ્યાર્થીઓની રજૂઆત બાદ ગણતરીના કલાકોમાં જ ડો. ચિરાગ બારોટની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને વડોદરાથી ભાવનગર ખાતે ટ્રાન્સફરકરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણય બાદ મેડિકલ કોલેજમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અગાઉ વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય મંત્રીએ સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. હવે પ્રોફેસરની બદલી થતાં ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને સરકારની કાર્યવાહી સામે આવી છે.જોકે, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રેગિંગ અને હેરાનગતિના આક્ષેપો અંગે અંતિમ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સરકાર દ્વારા બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ અંગે પણ સવાલો ચર્ચામાં આવ્યા છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
