<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સોલાર પેનલના નિયમોમાં મોટો ફેરફાર :નિર્ણયની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે

હવે 1 જૂનથી લાગુ થનારા નવા નિયમ મુજબ પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની એપ્રુવલ લિસ્ટ -IIમાં સામેલ હોવા જરૂરી બનશે.

અમદાવાદ :દેશમાં સોલાર એનર્જી તરફ લોકોનો વધતો ઝુકાવ વચ્ચે હવે સરકાર 1 જૂન 2026થી સોલાર ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર લાવવા જઈ રહી છે. જો ઘરે સોલાર પેનલ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે નવા નિયમો બાદ સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ વધી શકે છે. જોકે રાહતની વાત એ છે કે સરકારની “PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના” હેઠળ મળતી સબસિડી હાલ બંધ થવાની નથી.

સરકારે હવે સોલાર પેનલ અને તેમાં વપરાતા સોલાર સેલ્સ માટે નવા કડક ધોરણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી માત્ર સોલાર પેનલ સરકારની Approved List of Models and Manufacturers એટલે કે ALMM યાદી-Iમાં હોવી ફરજિયાત હતી. પરંતુ હવે 1 જૂનથી લાગુ થનારા નવા નિયમ મુજબ પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની Approved List-IIમાં સામેલ હોવા જરૂરી બનશે.

સરકારનો દાવો છે કે આ પગલાંનો મુખ્ય હેતુ હલકી ગુણવત્તાવાળા વિદેશી સાધનોની આયાત રોકવાનો અને ભારતીય સોલાર ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવવાનો છે. પરંતુ આ નિર્ણયની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

એક્સપર્ટ્સના મતે નવા નિયમો લાગુ થયા બાદ સોલાર સિસ્ટમના ભાવમાં વધારો લગભગ નક્કી છે. કારણ કે હવે ડોમેસ્ટિક એટલે કે ભારતીય સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનશે.

• 1 kW સોલાર સિસ્ટમ પર અંદાજે ₹3,000 વધુ ખર્ચ

• 2 kW સિસ્ટમ પર આશરે ₹6,000નો વધારો

• 3 kW સિસ્ટમ માટે લગભગ ₹9,000 વધુ ખર્ચ

જો બજારમાં એપ્રુવ્ડ સોલાર સેલ્સની અછત સર્જાશે તો ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે સરકાર સોલાર સબસિડી બંધ કરવા જઈ રહી છે. પરંતુ આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

હાલ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય આ પ્રમાણે છે:

• 1 kW સિસ્ટમ માટે ₹30,000

• 2 kW માટે ₹60,000

• 3 kW અથવા વધુ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી

આ ઉપરાંત અનેક રાજ્ય સરકારો પણ વધારાની ટોપ-અપ સબસિડી આપી રહી છે.

ગ્રાહકો માટે હવે બે વિકલ્પ

નવા નિયમો બાદ સોલાર સિસ્ટમ ખરીદતા લોકો પાસે મુખ્યત્વે બે વિકલ્પ રહેશે.

1. સબસિડી રૂટ

આ વિકલ્પ એવા પરિવારો માટે યોગ્ય માનવામાં આવે છે જે લાંબા ગાળે વીજળી બિલમાંથી રાહત મેળવવા માંગે છે. પરંતુ આ માટે સરકાર દ્વારા મંજૂર ટેકનોલોજી અને કોમ્પોનેન્ટ્સનો જ ઉપયોગ કરવો પડશે.

2. ફ્રીડમ રૂટ

આ વિકલ્પમાં કોઈ સબસિડી મળતી નથી, પરંતુ ગ્રાહકોને નવી અને એડવાન્સ ટેકનોલોજી પસંદ કરવાની સંપૂર્ણ છૂટ મળે છે. જેમ કે HJT, HDT અથવા લિથિયમ બેટરી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે.

આગામી સમયમાં સોલાર ક્ષેત્રમાં આ ફેરફાર સામાન્ય ગ્રાહકો માટે ખર્ચાળ બની શકે છે, પરંતુ લાંબા ગાળે સારી ગુણવત્તા અને વિશ્વસનીયતા માટે સરકારનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

(6:56 PM IST)